સહારા ગ્રુપ સામેની તપાસ ચાલુ રહેશેઃ માધબી પુરી બુચ (SEBI ચેરપર્સન)

મુંબઈઃ દેશમાં મૂડી બજારની કેન્દ્રીય નિયામક સંસ્થા સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નાં ચેરપર્સન માધબી પુરી બુચે આજે અહીં FICCI  સંસ્થાના એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું અવસાન થયું હોવા છતાં ગ્રુપ વિરુદ્ધ રીફંડ ભંડોળને લગતા કેસમાં ‘સેબી’ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ ચાલુ રાખવામાં આવશે. આ મામલો ગ્રુપ દ્વારા લેવામાં આવેલા પગલાં વિશેનો છે અને વ્યક્તિની હયાતીની પરવા કર્યા વિના કેસની તપાસ ચાલુ રાખવામાં આવશે.

રેગ્યૂલેટરી નિયમોના ઉલ્લંઘન બદલ સહારા ગ્રુપને SEBIનો આદેશ

2011માં, સેબી સંસ્થાએ સહારા ગ્રુપની બે કંપની – સહારા ઈન્ડિયા રીયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડને આદેશ કર્યો હતો કે ઓપ્શનલી ફૂલ્લી કન્વર્ટિબલ બોન્ડ્સ (OFCD)ના માધ્યમથી એમણે આશરે 3 કરોડ ઈન્વેસ્ટરો પાસેથી મેળવેલું ભંડોળ એમને પરત કરી દે.

સેબીએ એવો ચુકાદો આપ્યો હતો કે સહારા ગ્રુપની કંપનીઓએ આ ભંડોળ સેબીએ ઘડેલા નિયમોનો ભંગ કરીને મેળવ્યું હતું. આ ચુકાદાને પગલે બંને કંપનીને ઈન્વેસ્ટરોને 15 ટકા વ્યાજના દરે ફંડ પરત કરવાનું કહેવામાં આવ્યું હતું. ઈન્વેસ્ટરોને વળતર ચૂકવી શકાય એ માટે સહારા ગ્રુપને શરૂઆતમાં રૂ. 24,000 કરોડની રકમ સેબી પાસે જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. સહારા ગ્રુપે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે તેણે 95 ટકા ઈન્વેસ્ટરોને રીફંડ ઓલરેડી આપી દીધું છે.