નવી દિલ્હીઃ કોરોના સંકટકાળમાં બેંક ગ્રાહકોને એક આંચકો લાગે એવી શક્યતા છે. હવે બેન્ક ATMમાંથી એક જ વારમાં રૂ. 5000થી વધુ રોકડ કાઢવા પર વધારાનો ચાર્જ ચૂકવવો પડે એવી શક્યતા છે. અહેવાલો મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હજી આના પર વિચાર કરી રહી છે. જો તમે ATMથી એક જ વારમાં રૂ. 5000થી વધુ રોકડ ઉપાડશો તો આ રકમ પર તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ATMમાંથી ઉપાડના નિયમોને આઠ વર્ષ પછી બદલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ નવા નિયમોમાં પાંચ વાર ATMમાંથી મફત ઉપાડની સુવિધા સામેલ નહીં હોય. તમારે અલગથી ચુકવણી કરવાની રહેશે. જો રૂ. 5000થી વધુ રકમ ઉપાડ પર લાગુ થશે.
રૂ. 5000થી વધુ રોકડ ઉપાડ પર રૂ. 24નો ચાર્જ
અહેવાલ મુજબ ATMમાંથી એક જ વારમાં રૂ. 5000થી વધુ રૂપિયા ઉપાડવા પર ગ્રાહકોએ રૂ. 24 ચાર્જ રૂપે વધારાના ચૂકવવા પડશે. ATMLથી હાલના નિયમો મુજબ રોકડ ઉપાડ મહિનામાં પાંચ વાર મફત થઈ શકશે. જો એક મહિનામાં પાંચ વારથી વધુ રોકડ ઉપાડ કરવામાં આવે તો છઠ્ઠા ઉપાડ પર રૂ. 20 ચાર્જ ચૂકવવો પડે છે.
RBIની સમિતિની ભલામણ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એક સમિતિ દ્વારા ભલામણોને આધારે ATMમાંથી રોકડ ઉપાડ કરવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જોકે આ અહેવાલ જાહેર નથી કરવામાં આવ્યો. રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI) હેઠળ માગવામાં આવેલી માહિતીમાં આ જાણકારી આપવામાં આવી છે.
અહેવાલ RBIને ગયા ઓક્ટોબરમાં સોંપાયો
રિઝર્વ બેન્કના ATM ચાર્જની સમીક્ષા માટે રચાયેલી સમિતિએ ભલામણો કરી હતી. જને આધારે બેન્ક આઠ વર્ષ પછી ATM ચાર્જમાં ફેરફાર કરી શકે છે. RTIમાં અપાયેલી માહિતી અનુસાર રિઝર્વ બેન્ક સમિતિએ રોકડ ઉપાડ (કેશ વિથડ્રોઅલ)ને ઓછો કરવાનું સૂચન કર્યું હતું. ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશન્સના CEO વીજી કન્નને રોકડ ઉપાડની આદતને ઓછી કરવા માટે અહેવાલ સુપરત કર્યો હતો. તેમણે 22 ઓક્ટોબર, 2019એ રિઝર્વ બેન્કને આ અહેવાલ સોંપ્યો હતો. જોકે એ જાહેર કરવામાં નહોતો આવ્યો. RTI કાર્યકર્તા શ્રીકાંત એલે RTI હેઠળ રિઝર્વ બેન્કથી આ સંબંધે માહિતી માગી હતી.