મુંબઈ – ભારતીય રિઝર્વ બેન્કે રૂ. 2000ના મૂલ્યની કરન્સી નોટનું છાપકામ ઓછું કરીને મિનિમમ લેવલનું કરી દીધું છે, એવું એક અહેવાલમાં જણાવાયું છે.
2016ની સાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી નિર્ણય લાગુ કર્યા બાદ રૂ. 2000ની નોટ ચલણમાં શરૂ કરવામાં આવી હતી.
2000ની નોટ તબક્કાવાર ચલણમાંથી દૂર કરવામાં આવી રહી હોવાના અહેવાલો વચ્ચે નાણાં મંત્રાલયના એક ટોચના અધિકારીએ આજે જણાવ્યું કે રિઝર્વ બેન્કે આ નોટનું છાપકામ ઘટાડીને સાવ મિનિમમ કરી નાખ્યું છે.
2016માં, રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યની ચલણી નોટો પર રાતોરાત પ્રતિબંધ મૂક્યા બાદ તરત જ રિઝર્વ બેન્કે રૂ. 500ની નવી ડિઝાઈન અને લુકવાળી નોટ ચલણમાં મૂકી હતી અને રૂ. 2000ની નોટ ચલણમાં પહેલી જ વાર ઈન્ટ્રોડ્યૂસ કરી હતી.
રિઝર્વ બેન્ક તથા કેન્દ્ર સરકારે સમયાંતરે નક્કી કર્યું છે કે કરન્સી નોટોને વ્યવહારમાં રહેલા નાણાંના આધારે પ્રિન્ટ કરવી.
રૂ. 2000ની નોટને જ્યારે લોન્ચ કરવામાં આવી હતી ત્યારે એવું નક્કી કરાયું હતું કે આ નોટનું પ્રિન્ટિંગ ઓછું કરવામાં આવશે, કારણ કે આ નવી ઊંચા મૂલ્યવાળી કરન્સી નોટ ‘રીમોનીટાઈઝેશન’ (remonetisation) માટે જ શરૂ કરવામાં આવી હતી.
તેથી 2000ની નોટનું છાપકામ પૂરતા પ્રમાણમાં ઘટાડી દેવામાં આવ્યું છે. હવે એવું નક્કી કરાયું છે કે આ કરન્સી નોટનું પ્રિન્ટિંગ સાવ મિનિમમ જ રાખવું.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, 2017ના માર્ચમાં ચલણમાં 2,000 રૂપિયાની 328 કરોડ 50 લાખ નોટ હતી. તેના એક વર્ષ બાદ આંકડો ઘટીને 336 કરોડ 30 લાખ થયો હતો. જે મામુલી ઘટાડો હતો. 2018ના માર્ચમાં ચલણમાં રહેલી કુલ રૂ. 18,037 અબજની કરન્સીમાં 2000 રૂપિયાની નોટનો હિસ્સો 37 ટકા હતો, જે પાછલા વર્ષમાં 50 ટકા હતો.