મુંબઈ: રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ-આરઆઇએલ અને ઇરોઝ ઇન્ટરનેશનલે એક સંયુક્ત જાહેરાતમાં જણાવ્યું હતું કે આરઆઇએલ તેની સહયોગી કંપનીના માધ્યમથી ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ઇરોઝમાં શેરદીઠ 15 અમેરિકી ડોલરની કિંમતે 5 ટકા હિસ્સો ખરીદવાની તૈયારી દર્શાવી છે. આ શેરદીઠ કીમત છેલ્લા બંધ ભાવ પર 18 ટકાનું પ્રિમિયમ દર્શાવે છે.
વધુમાં, આર.આઇ.એલ. અને ઇરોઝ ઇન્ટરનેશનલ મીડિયા લિમિટેડ (ઇરોઝ ઇન્ડિયા)એ જાહેરાત કરી હતી કે તેઓએ ભારતમાં સંયુક્ત રીતે વિષયવસ્તુનું સર્જન અને એકત્રીકરણ કરવા ભાગીદારી કરવા માટે પરસ્પર સહમતી સાધી છે. તમામ ભાષાઓની ભારતીય ફિલ્મો અને ડિજીટલ મૂળકૃતિઓના સર્જન અને તેની ખરીદ માટે બંને કંપનીઓ રૂ.1,000 કરોડ (આશરે 150 મિલિયન અમેરીકી ડોલર)નું ભંડોળ એકત્ર કરવા સરખા પ્રમાણમાં રોકાણ કરશે.
ઇરોઝના સી.ઇ.ઓ. અને મેનેજિંગ ડાયરેક્ટર સુશ્રી જ્યોતિ દેશપાંડે 17 વર્ષની તેમની કારકિર્દી બાદ એક્ઝિક્યુટીવ તરીકેની તેમની ભૂમિકાને છોડીને ચેરમેનની ઓફિસના પ્રેસિડેન્ટ તરીકે રીલાયન્સના મીડિયા અને મનોરંજન વ્યવસાયના વડા તરીકે કાર્યભાર સંભાળશે. દેશપાંડે આરઆઇએલમાં તેમનો કાર્યભાર એપ્રિલ 2018થી સંભાળશે, પરંતુ ઇરોઝના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેની તેમની ભૂમિકા ચાલુ રાખશે. કિશોર લુલ્લા ઇરોઝના ગ્રૂપ ચેરમેન તથા સીઇઓનું પદ ફરીથી સંભાળી લેશે.
આર.આઇ.એલ.માં સુશ્રી દેશપાંડે પ્રસારણ, ફિલ્મ, સ્પોર્ટ્સ, મ્યુઝિક, ડિજીટલ, ગેમિંગ, એનિમેશન વગેરે જેવી વિષયવસ્તુ નિવસનતંત્ર (ઇકોસિસ્ટમ)ને લગતાકંપનીના મીડિયા અને મનોરંજન વ્યવસાયનું સંકલન કરીને વૃદ્ધિ કરશે. તે ઉપરાંત તેઓ આરઆઇએલના મીડિયા વ્યવસાયમાં રહેલાં વર્તમાન રોકાણો જેમ કે વાયકોમ અને બાલાજી ટેલિફિલ્મ્સનું સંકલન કરીને ભારતના લગભગ 20 બિલિયન અમેરિકી ડોલરનું કદ ધરાવતા અસંગઠિત મીડિયા અને મનોરંજન ક્ષેત્રના વ્યવસાયને સુગઠિત કરી તેના કદમાં વૃદ્ધિ કરવાની અને સંકલન કરવાનાં પગલાંનું નેતૃત્વ કરશે.
આરઆઇએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ઇરોઝ સાથેની ભાગીદારીથી અમે પ્રસન્ન છીએ, કારણ કે તેનાથી અમારાં આયોજનોમાં એકરૂપતા આવશે અને બંને માટે લાભપ્રદ ભાગીદારી બની રહેશે. રીલાયન્સ પરિવારમાં જ્યોતિ દેશપાંડેનું સ્વાગત કરતા અમે ખુશી અનુભવીએ છીએ અને માનીએ છીએ કે તે માત્ર અમારાં આયોજનોને વેગ આપશે એટલું જ નહીં પરંતુ ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવશે.
આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા કિશોર લુલ્લાએ જણાવ્યું હતું કે, મને ખુશી છે કે ઇરોઝે તેની મનોરંજનની યાત્રામાં ટેકનોલોજી, વિષયવસ્તુ અને ડિજીટલ સહિતની ઘણી એકરૂપતાઓ સાથે આર.આઇ.એલ. સાથે ભાગીદારી કરી છે. અમે ડિજિટલ અને વિષયવસ્તુના મોરચે વધુ આગળ વધી રહ્યા છીએ ત્યારે અમે જોડાણ અને વૃધ્ધિ કરવા માંગીએ છીએ. ઇરોઝની અતુલ્ય વૃધ્ધિયાત્રામાં જ્યોતિ દેશપાંડે મૂલ્યવાન હિસ્સો રહ્યાં છે અને મને વિશ્વાસ છે કે આર.આઇ.એલ.માં તેમની નવી ભૂમિકામાં તેઓ ઉદ્યોગમાં સકારાત્મક અસર ઊભી કરશે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.
જ્યોતિ દેશપાંડેએ જણાવ્યું હતું કે સન્ 1998થી કામ કરવાથી અને સંકળાયેલા રહેવાથી ઇરોઝ ગ્રૂપ મારી વ્યાવસાયિક કારકિર્દીનો મહત્વનો ભાગ છે અને સાથે મળીને એક અદભૂત કંપનીનું નિર્માણ કરવાની તક આપવા બદલ હું કિશોર લુલ્લા અને ઇરોઝ પરિવારનો આભાર માનું છું. મને ખુશી છે કે આરઆઇએલે ઇરોઝ સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે તેથી આ સંબંધ ચાલુ રહેશે. આરઆઇએલમાં મારું નવું કાર્ય સીમાડાઓને વિસ્તારવાની, શ્રેષ્ઠતાના નવા માપદંડો સ્થાપવાની, વિશ્વસ્તરીય યુવા આગેવાનોની ટીમ તૈયાર કરવાની અને આ મહત્વાકાંક્ષાના નિર્માણ અને અમલને આરઆઇએલ ની પરંપરા અનુસાર નવો સહભાગીતાનો અભિગમ અપનાવવાની તક પૂરી પાડશે.