મુંબઈઃ કોરોના રોગચાળાએ વૈશ્વિક અર્થતંત્રો પર પ્રતિકૂળ અસર કરી હતી, જેમાં ભારતીય અર્થતંત્ર પણ બાકાત નથી. જોકે રોગચાળાને પગલે પ્રારંભે લાગેલા દેશવ્યાપી લોકડાઉનના સમયમાં અર્થતંત્રના બેરોમીટર એવા શેરબજારોમાં ભારે વેચવાલીનાં ઘોડાપૂર આવ્યાં હતાં, પણ એ પછી શેરબજારોએ મોટા ભાગે અત્યાર સુધી એકતરફી તેજીની ચાલ બતાવી છે. ભારતીય રિટેલ રોકાણકારોએ કમાણીના સાધન ઘટતાં શેરબજાર તરફ વળ્યા હતા. રિટેલ રોકાણકારોએ રોગચાળાના સમયમાં ત્રણ લાખ કરોડ ડોલરના શેર ખરીદ્યા હતા અને મુખ્ય રોકાણકાર જૂથ તરીકે ઊભરી આવ્યા હતા.ગયા વર્ષે પણ તેમણે શેરબજારોમાં મૂડીરોકાણ ચાલુ રાખતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો તેમની પાસે વામણા પુરવાર થયા હતા.
2022ના જાન્યુઆરીમાં CDSL અને NSDLમાં કુલ ડીમેટ એકાઉન્ટ્સની સંખ્યા 8.1 કરોડે પહોંચી હતી, જે માર્ચ, 2019ના અંતે 3.6 કરોડ ખાતાથી બે ગણા હતા. આ ઉપરાંત 2021માં ઘરેલુ ઇન્ડેક્સમાં 24 ટકાનો ઉછાળો રિટેલ રોકાણકારોને આભારી હતો, એમ અનુભવી રોકાણકાર શંકરે કહ્યું હતું.
વર્ષ 2021માં રિટેલ રોકાણકારોએ શેરોની 19 અબજ ડોલરની ચોખ્ખી ખરીદી કરી હતી, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા કહે છે. જ્યારે આ જ સમયગાળામાં સંસ્થાકીય રોકાણકારોએ સાત અબજ ડોલરના શેરો વેચ્યા હતા. આમ વર્ષ 2021માં સ્ટોક માર્કેટમાં રિટેલ રોકાણકારો દ્વારા 12 અબજ ડોલરનો ચોખ્ખો મૂડીરોકાણ પ્રવાહ ઠલવાયો હતો. આ રિટેલ રોકાણકારો એટલે વ્યક્તિગત રોકાણકાર, NRI, સોલ પ્રોપ્રાઇટર્સ અને HUF.
રિટેલ રોકાણકારોની ખરીદશક્તિથી નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 અનુક્રમે 46 ટકા અને 60 ટકા વધ્યા હતા. ડિસેમ્બર ત્રિમાસિકમાં FIIએ આશરે પાંચ અબજ ડોલરના શેરો વેચ્યા હતા, જ્યારે રિટેલ રોકાણકારોએ એ જ સમયે 1000થી NSE લિસ્ટેડ શેરોમાં તેમનો હિસ્સો વધાર્યો હતો.