રિલાયન્સ પેપ્સી, કોકા કોલાને ટક્કર આપશે

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ FMCG વ્યવસાયમાં વિસ્તરણ કરી રહી છે. આ વ્યૂહરચના હેઠળ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપની પ્યોર ડ્રિન્કમાં બે સોફ્ટ ડ્રિંક બ્રાન્ડો કેમ્પા અને સોસિયોને ખરીદી લીધી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ હસ્તાંતરણ બાદ રિલાયન્સ બેવરેજીસ માર્કેટમાં પેપ્સી અને કોકા કોલા જેવી અગ્રણી ભ્રાન્ડોને ટક્કર આપશે. કંપની કેમ્પા અને સોસિયોને આ વર્ષે ફરીથી લોન્ચ કરે એવી શક્યતા છે.

રિલાયન્સની રિટેલ પાંખ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.નાં ડિરેક્ટર ઇશા અંબાણીએ 29 ઓગસ્ટે એલાન કર્યું હતું કે કંપનીની રિટેલ પાંખ FMCG સેગમેન્ટમાં પ્રવેશ કરશે, જે પછી રિલાયન્સ દ્વારા સોફ્ટ ડ્રિન્કને બે દિગ્ગજ બ્રાંડોની ખરીદવાની માહિતી બહાર આવી હતી. તેમણે એલાન કર્યું હતું કે આ વર્ષે તેમની કંપની ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ બિઝનેસમાં પ્રવેશ કરશે. તેમનું લક્ષ્ય દરેક ભારતીયની દૈનિક જરૂરિયાતોને સારી ક્વોલિટીમાં ઓછી કિંમતે પ્રોડક્ટ્સ તૈયાર કરવાનું અને એ ઉપલબ્ધ કરાવવાનું છે.

FMCG ક્ષેત્રમાં રિલાયન્સ રિટેલની ટક્કર હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, બ્રિટાનિયા જેવી દિગ્ગજ કંપનીઓ સામે થશે. આ ઉદ્યોગ રૂ. 11,000 કરોડ ડોલર કરતાં વધુનું છે. આ સેગમેન્ટમાં વિવિધ ખાનગી લેબલ દ્વારા રિલાયન્સ રિટેલની હાજરી પહેલાંથી છે, જેમ કે રિલાયન્સ સ્માર્ટ, રિલાયન્સ માર્ટ, જેવી કંપનીની ગ્રોસરી ચેઇન સ્ટોર અને ઓનલાઇન ગ્રોસરી પ્લેટફોર્મ જિયો માર્ક દ્વારા વેચાણ થાય છે. ફેશન અને લાઇફસ્ટાઇલ સેગમેન્ટને મળીને ખાનગી લેબલથી કંપનીને 65 ટકા આવક પ્રાપ્ત થાય છે.