શેરોમાં બાઉન્સબેકઃ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.5 લાખ કરોડનો વધારો

અમદાવાદઃ દેશમાં ગણેશોત્સવ પહેલાં ઘરેલુ શેરબજારોમાં શાનદાર રિકવરી જોવા મળી છે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 1564 પોઇન્ટ ઊછળી 59,537 પોઇન્ટ બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 446 પોઇન્ટના ઉછાળાની સાથે 17,759 પોઇન્ટની સપાટીએ બંધ થયો હતો. ટ્રેડિંગ સેશનમાં બેન્ક અને ફાઇનાન્શિયલ શેરોમાં ધૂમ લેવાલી થઈ હતી. ઓટો ઇન્ડેક્સ પણ 2.5 ટકા તેજી થઈ હતી. હેવી વેઇટ શેરોમાં પણ ભારે લેવાલી થઈ હતી. આવતી કાલે ગણેશ ચતુર્થી નિમિત્તે શેરબજારો બંધ રહેશે.  

સ્થાનિક બજારોમાં સોમવારે યુએસ ફેડરલના ચેરમેનના વ્યાજદર વધારાના સંકેતોને પગલે શેરોમાં વેચવાલી થઈ હતી. જોકે સ્થાનિક શેરબજારોમાં ખાસ કરીને BSE લિસ્ટેડ બધી કંપની કંપનીઓના માર્કેટ કેપ રૂ.5.65 લાખ કરોડનો ઉછાળો આવ્યો હતો. ગઈ કાલે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 274.56 લાખ કરોડ નોંધાયું હતું. આમ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 280.21 લાખ કરોડે પહોંચ્યું હતું.

દેશમાં તહેવારોની સીઝન ચાલી રહી છે, જેથી પણ ભારતીય બજારો અન્ય બજારોની તુલનાએ સારો દેખાવ કરી રહ્યાં છે. આમ પણ વૈશ્વિક અર્થતંત્રોની તુલનાએ ભારતીય અર્થતંત્ર નોંધપાત્ર દેખાવ કરી રહ્યું છે. સરકારનું ધ્યાન આર્થિક સુધારા કરવા તરફ છે. વળી. પ્રત્યક્ષ અને પરોક્ષ ટેક્સ ક્લેક્શનમાં વધારો થયો છે. ગ્રામીણ અર્થતંત્રમાં પણ મૂડીરોકાણ વધ્યું છે. સોશિયલ લાભાલાભ એ લોકો સુધી પહોંચી રહ્યા છે, જેની તેમને જરૂર છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.આગામી સમયમાં દેશમાં તહેવારોની સીધન પીક પર હશે, કેમ કે દેશભરમાં ચોમાસું સારું રહ્યું છે. જેથી એકંદરે તેજીનો માહોલ રહેવાની શક્યતા છે.