જૂન ત્રિમાસિકમાં ભારતીય GDP ગ્રોથ 13.5 ટકા રહ્યો

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)માં આર્થિક કામકાજમાં વધારો થવાને કારણે દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 13.5 ટકાના દરથી વધ્યો હતો. જોકે ગયા નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં (ડિસેમ્બર-માર્ચ) GDP  ગ્રોથ માત્ર 4.1 ટકા હતો. જોકે રિઝર્વ બેન્કે વર્ષ 2022-23ના પહેલા ત્રિમાસિક ગાળા માટે 16.2 ટકાનો GDP ગ્રોથ 16.2 ટકા અંદાજ્યો હતો. જે દર્શાવે છે કે ભારતીય અર્થતંત્ર ફરી એક વાર વિકાસના પંથે છે.

દેશનો રિયલ GDP 2011-12ના આધાર વર્ષ ગણીએ તો રૂ. 36.85 લાખ કરોડના સ્તરે પહોંચવાનો અંદાજ હતો, જ્યારે એ વર્ષ 2021-22માં સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 32.46 લાખ કરોડના સ્તરે હતો. વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિક ગાળામાં GDP 20.1 ટકા હતો.

દેશના GDPની દ્રષ્ટિએ જોઈએ તો પહેલા ત્રિમાસિક ગાળામાં સરકારી વપરાશની તુલનાએ ખાનગી વપરાશ અંદાજ કરતાં વધુ ઝડપે વધ્યો હતો, જ્યારે અને સરકારી મૂડીરોકાણ સાધારણ વધુ હતું. RBIના અનુમાન પ્રમાણે Q1માં 16 ટકાનો ગ્રોથ અંદાજ્યો હતો, જ્યારે એ પછીના ત્રિમાસિક ગાળામાં 6.2, 4.1 અને ચાર ટકાનો ગ્રોથ અંદાજ્યો છે. બીજા અને ચોથા ત્રિમાસિક ગાળાના અંદાજમાં ખાસ બહુ ફરક નથી.

તાજા ડેટાથી માલૂમ પડે છે કે RBI દ્વારા FY23નો GDP ગ્રોથનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 6.7 ટકા કરવામાં આવશે. આ ડેટાથી એ પ્રતીતિ થાય છે કે ભારતીય અર્થતંત્રની રિકવરી બહુ મજબૂત નથી, એટલે RBI વ્યાજદરોમાં એક કે બે વાર હવે વધારો કરશે અને એની વ્યાજદરવધારાની સાઇકલનો અંત ડિસેમ્બરમાં આવશે, એમ મુખ્ય અર્થશાસ્ત્રી નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું.