મુંબઈ- રીલાયન્સ જિઓ દરરોજ તેના ગ્રાહકો માટે કંઇકને કંઇક ભેટ આપતી રહે છે. હવે જિઓએ તેમના ગ્રાહકો માટે નવી સુવિધા આપી છે. જે ભારતીય ટેલિકોમ ઇતિહાસમાં કોઈ અન્ય કંપનીએ આપી નથી. જિઓએ તેમના ગ્રાહકો માટે ઇન્ટરનેશનલ VOLTE રોમિંગ (ઇનબાઉન્ડ) સેવા શરૂ કરી છે. સૌપ્રથમ આ સુવિધા ભારત અને જાપાન વચ્ચે શરૂ થશે. આ સાથે જ જિઓ આ સુવિધા આપનાર દેશનું સૌપ્રથમ 4જી નેટવર્ક બની ગયું છે.ઇનબાઉન્ડ સર્વિસનો અર્થ છે કે નવી સર્વિસનો ફાયદો જાપાનથી ભારત આવતાં પ્રવાસીઓને મળશે. જિઓની મદદથી અહી તેમને એચડી વૉઇસ અને હાઇ સ્પીડ ડેટાની સુવિધા મળશે.
આ સુવિધા માટે જિઓએ જાપાનના મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર કેડીડીઆઇ સાથે હાથ મિલાવ્યો છે. રીલાયન્સ જિઓના માર્ક યાર્કોસ્કાઇએ જણાવ્યું કે, રીલાયન્સ જિઓ પોતાના યુઝર્સને ડેટા અને વૉઇસની સૌથી શ્રેષ્ઠ સુવિધા આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે ભારત આવતા કેડીડીઆઇ કસ્ટમર્સનું જિઓ નેટવર્કમાં સ્વાગત કરીએ છીએ.
આ નવી સુવિધાને પગલે આંતરરાષ્ટ્રીય મુસાફરોને ભારતમાં જિઓના વર્લ્ડ ક્લાસ નેટવર્કનો ફાયદો મળશે. ટ્રાઇના માયસ્પીડ અનુસાર, રીલાયન્સ જિઓ સતત 20 મહિનાથી દેશનું સૌથી ફાસ્ટ નેટવર્ક રહ્યું છે. સપ્ટેમ્બર 2018માં જિઓની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 20.6 એમબીપીએસ રેકોર્ડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે જિઓ સિવાયના અન્ય તમામ દૂરસંચાર ઓપરેટર ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે ટ્રાઇ દ્વારા રાજમાર્ગો અને રેલ માર્ગો પર કરવામાં આવેલા કૉલ ડ્રૉપ (વાત કરતી વખતે કૉલ કટ થઇ જવો) ટેસ્ટમાં નિષ્ફળ રહી છે. એક અહેવાલમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે.
જણાવી દઇએ કે રીલાયન્સ જિઓ ફરી એકવાર ટોચ પર આવી ગઇ છે. કંપનીની ઓક્ટોબર મહિનાની સરેરાશ ડાઉનલોડીંગ સ્પીડ 22.3 એમબીપીએસ રહી. ટ્રાઇના એક રિપોર્ટ અનુસાર Idea અપલોડ અપલોડીંગ સ્પીડના મામલે ટોચ પર રહ્યું છે.
રિપોર્ટસની માનીએ તો જિઓની દેશભરમાં 4જી સ્પીડ Airtelની સરખામણીમાં બેગણી વધુ રહી છે. Airtelની સ્પીડ 9.5 એમબીપીએસ પ્રતિ સેકેન્ડ રહી. આ આંકડા ઓક્ટોબર મહિનાના છે.