ભાજપના મુંબઈના વિધાનસભ્ય લોઢા છે દેશના સૌથી શ્રીમંત બિલ્ડર

મુંબઈ – લોઢા ગ્રુપના સ્થાપક મંગલ પ્રભાત લોઢાએ ગ્રોહે હુરુન ઈન્ડિયા રિયલ એસ્ટેટ રિચ લિસ્ટ-2018માં નંબર-વન સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મંગલ પ્રભાત લોઢા

લોઢા, જેઓ દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પણ છે, એમની પાસે રૂ. 27,150 કરોડની સંપત્તિ છે.

લોઢાની કંપની મુંબઈમાં 78-માળનું ટ્રમ્પ ટાવર બાંધી રહી છે.

બેંગલુરુના એમ્બેસી ગ્રુપના જિતેન્દ્ર વિરવાણી રૂ. 23,160 કરોડની સંપત્તિ સાથે આ યાદીમાં બીજા નંબરે છે.

લોઢા ગ્રુપના ટર્નઓવરમાં 22 ટકાનો વધારો થયો છે અને એ સાથે જ મંગલ પ્રભાત લોઢા ભારતના સૌથી ધનવાન રિયલ એસ્ટેટ ડેવલપર બન્યા છે.

જિતેન્દ્ર વિરવાણી

લોઢાએ એમનો રિયલ એસ્ટેટનો બિઝનેસ મુંબઈમાં ત્રણ દાયકા અગાઉ શરૂ કર્યો હતો.

ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ટોચના 100 ભારતીયોની કુલ સંપત્તિના આંકમાં ગયા વર્ષની સરખામણીમાં 27 ટકાનો વધારો નોંધાયો છે. રૂપિયાની દ્રષ્ટિએ કહીએ તો 2.36 ટ્રિલિયન રૂપિયા વધ્યા છે.

ચંદ્રુ રહેજા

ગયા વર્ષે આ યાદીમાં રૂ. 23,460 કરોડની નેટવર્થ સાથે પહેલા નંબરે રહેનાર ડીએલએફ ગ્રુપના ચેરમેન કે.પી. સિંહ આજે ટોપ-100માં પણ સ્થાન મેળવી શક્યા નથી. શેરહોલ્ડિંગ પેટર્નમાં પરિવર્તન આવતા તેમજ પોતાની હિસ્સેદારી ઘટાડી દીધી હોવાથી કે.પી. સિંહની સંપત્તિમાં ઘટાડો થયો છે. હવે એમની પાસે ડીએલએફના માત્ર 0.81 ટકા શેર જ છે. જોકે એમના પુત્ર રાજીવ સિંહ આ વર્ષની યાદીમાં ત્રીજા નંબર પર આવ્યા છે. ગયા વર્ષે એ લિસ્ટમાં સામેલ નહોતા.

વિકાસ ઓબરોય

રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં મંદી ફરી વળી છે ત્યારે મોટા પ્રોપર્ટી ડેવલપર્સ એમના નાના હરીફોનો બિઝનેસ ખરીદીને લાભ પ્રાપ્ત કરી રહ્યા છે.

ગ્રોહે હુરુન ઈન્ડિયા રિયલ એસ્ટેટ રિચ લિસ્ટ-2018 યાદીમાં સ્થાન પામેલા ટોચના પાંચ બિલ્ડર આ મુજબ છેઃ

1. (નામ) મંગલ પ્રભાત લોઢા, (સંપત્તિ) રૂ. 271.50 કરોડ, (કંપનીનું નામ) લોઢા ગ્રુપ, (રહેઠાણ) મુંબઈ

2. (નામ) જિતેન્દ્ર વિરવાણી, (સંપત્તિ) રૂ. 231.60 કરોડ, (કંપનીનું નામ) એમ્બેસી ગ્રુપ, (રહેઠાણ) બેંગલુરુ

3. (નામ) રાજીવ સિંહ, (સંપત્તિ) રૂ. 176.90 કરોડ, (કંપનીનું નામ) ડીએલએફ ગ્રુપ, (રહેઠાણ) નવી દિલ્હી

4. (નામ) ચંદ્રુ રહેજા, (સંપત્તિ) રૂ. 144.20 કરોડ, (કંપનીનું નામ) કે. રહેજા, (રહેઠાણ) મુંબઈ

5. (નામ) વિકાસ ઓબેરોય, (સંપત્તિ) રૂ. 109.80 કરોડ, (કંપનીનું નામ) ઓબેરોય રિયાલ્ટી, (રહેઠાણ) મુંબઈ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]