રિલાયન્સે ફ્યૂચર-રીટેલ સાથેનો રૂ.24,371-કરોડનો સોદો રદ કર્યો

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ફ્યૂચર રીટેલ લિમિટેડ (FRL)ના ફ્યૂચર ગ્રુપ સાથે કરેલો રૂ. 24,371 કરોડનો વિલિનીકરણ સોદો રદ કર્યાની જાહેરાત કરી છે. તેણે દેશની શેરબજારોને આપેલી નોંધમાં જણાવ્યું છે કે FRLના સુરક્ષિત લેણદારો તથા શેરહોલ્ડરોની અલગ અલગ બેઠકોમાં આ સોદાને મંજૂરી આપવામાં આવી નથી. તેથી એને અમલમાં મૂકી શકાશે નહીં.

ઉલ્લેખનીય છે કે ફ્યૂચર ગ્રુપની કંપનીઓ (જેમાં ફ્યૂચર રીટેલ લિમિટેડ તથા આ સોદા-યોજનામાં સામેલ થયેલી અન્ય 19 લિસ્ટેડ કંપનીઓ)એ 2020ના ઓગસ્ટમાં રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ સાથે વિલિનીકરણ માટેના સોદાની જાહેરાત કરી હતી. આ સોદો-યોજના ફ્યૂચર ગ્રુપના રીટેલ અને હોલસેલ વ્યાપાર તથા લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ વ્યાપારને રિલાયન્સ ગ્રુપની પેટા કંપની રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)માં તથા RRVLની પેટાકંપની રિલાયન્સ રીટેલ એન્ડ ફેશન લાઈફસ્ટાઈલ લિમિટેડમાં ટ્રાન્સફર કરવા માટેનો હતો. આ સોદાનો અમેરિકાની ટોચની ઈ-કોમર્સ કંપની એમેઝોને વિરોધ કર્યો છે. એને કારણે આ મામલો તીવ્ર કાનૂની જંગમાં અટવાઈ ગયો છે.