નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ની જેમ યુનિફાઇડ લેન્ડિંગ ઇન્ટરફેસ (ULI) લાવવાની તૈયારીમાં છે. એ આવ્યા પછી લોન લેવી સરળ થશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે એક કાર્યક્રમમાં એ માહિતી આપી હતી. એનો સૌથી મોટો લાભ નાની રકમ લેવાવાળાઓને થશે.
આ પદ્ધતિથી નાના વેપારીઓને લાભ થશે. દાસે કહ્યું હતું કે ગયા વર્ષે RBIએ ફ્રિક્શનલેસ ક્રેડિટ માટે એક ટેક્નિકલ પ્લેટફોર્મનો પાઇલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ પ્રોજેક્ટ લોન્ચ કર્યા પછી આ પ્લેટફોર્મ પર કિસાન ક્રેડિટ કાર્ડ લોન, ડેરી લોન, MSME લોન, પર્સનલ લોન અને હોમ લોન પર ફોકસ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાઇલટ પ્રોજેક્ટના અનુભવ પછી દેશમાં ULIને લોન્ચ કરવામાં આવશે. જે રીતે UPI પેમેન્ટ સિસ્ટમથી ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં મોટો ફેરફાર આવ્યો છે. એ જ રીતે ULIથી દેશના લેન્ડિંગ સ્પેસમાં મોટો ફેરફાર આવશે.
ત્વરિત લોન આપનારી હાલની એપ્સ પર સરકાર અને RBIનો લિમિટેડ કન્ટ્રોલ છે, પણ ULI પ્લેટફોર્મ પર બેસ્ટ એપ પર સરકારની સીધી નિગરાની રહેશે. UPI દ્વારા જેવી રીતે પિન નાખીને ચુકવણી કરી શકાય છે, એ રીતે ULI બેન્ક એકાઉન્ટથી લિન્ક રહેશે. ULI લોન લેવાની પૂરી સિસ્ટમને સરળ બનાવી દેશે. ULI એપ આધાર, E-KYC, રાજ્ય સરકારના ધિરાણ રેકોર્ડ સહિત અલગ-અલગ સોર્સથી ડેટા એકત્ર કરશે.