નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની ત્રિદિવસીય દ્વિમાસિક બેઠક પછી RBIના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદરોની ઘોષણા કરી હતી. બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે સમિતિએ સતત આઠમી વાર વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. હાલના સમયે બેન્કે રેપો રેટ ચાર ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકાના દરે જાળવી રાખ્યા છે. બેન્કે છેલ્લે મે, 2020માં રેપો રેટ ઘટાડ્યો હતો. બેન્કે હજી પણ અર્થતંત્રને લઈને એકોમોડેટિવ વલણ જાળવી રાખ્યું છે.
રિઝર્વ બેન્કની MPCના બધા સભ્યોએ એકમતે ધિરાણ દરમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે એકોમોડેટિવ વલણને લઈને 5-1ના મતોથી નિર્ણય થયો હતો, એટલે કે કમિટીના એક સભ્ય એકોમોડેટિવ વલણના પક્ષમાં નહોતા. એકોમોડેટિવ વલણ જાળવી રાખવાનો અર્થ થાય છે કે ધિરાણના દરોમાં ઘટાડો થશે કે એને જાળવી રાખવા, જેથી અર્થતંત્રને ટેકો મળી શકે. બેન્ક સતત એ પ્રયાસમાં છે કે મોંઘવારીનો દર લક્ષ્યાંકની અંદર રહે, એમ ગવર્નરે કહ્યું હતું.
રિઝર્વ બેન્કે આ વખતે GDP ગ્રોથના અંદાજમાં કોઈ ફેરફાર નથી કર્યો. FY 2021-22 માટે રિયલ GDP ગ્રોથનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે. બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે રિટેલ ફુગાવાનો દર 5.3 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે, એ પહેલાં એ 5.7 ટકા રાખવામાં આવ્યો હતો.
દાસે કહ્યું હતું કે એવા સંકેત મળી રહ્યા છે કે અર્થતંત્રમાં ઝડપી રિકવરી થઈ રહી છે, પણ ફુગાવો હજી પણ પડકાર બનેલો છે.