મુંબઈઃ અમેરિકામાં સપ્ટેમ્બરનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (ગ્રાહક ભાવાંક) ધારણા કરતાં સારો આવ્યો હોવા છતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં કોઈ મોટો ફેરફાર આવ્યો ન હતો. ફ્લેટ રહેલી માર્કેટમાં 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.16 ટકા (55 પોઇન્ટ) સુધરીને 34,023 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,968 ખૂલ્યા બાદ 34,217ની ઉપલી અને 33,687ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇનમાં સાધારણ વૃદ્ધિ થઈ હતી, જેમાં અવાલાંશ, લાઇટકોઇન, પોલકાડોટ અને બીએનબી સામેલ હતા.
દરમિયાન, જી20 રાષ્ટ્રસમૂહના નાણાપ્રધાનો અને કેન્દ્રીય બેન્કોના ગવર્નરોએ ક્રીપ્ટોકરન્સી એસેટ્સ માટેની માર્ગરેખા અપનાવી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડે પોતાના સંશોધનપત્રમાં આ માર્ગરેખાની ભલામણ કરી હતી. એ મુજબ ક્રીપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાને બદલે એનું સર્વાંગી નિયમન કરવાની અને એના પર નજર રાખવાની વાત કરવામાં આવી છે.
અન્ય એક અહેવાલ મુજબ ભારતીય રિઝર્વ બેન્કે કોલ મની માર્કેટમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો ઉપયોગ કરવાનો પ્રયોગ શરૂ કર્યો છે. એમાં નવ બેન્કો સહભાગી થઈ છે. બીજી બાજુ, ચીન પણ સીબીડીસીને લગતાં આયોજનો અમલમાં મૂકી રહ્યું છે.