મુંબઈઃ અહીંની SVC કોઓપરેટિવ બેન્ક લિમિટેડ (શામરાવ વિઠ્ઠલ સહકારી બેન્ક લિમિટેડ)ને ભારતીય રિઝર્વ બેન્કે રૂ. 13.3 લાખનો દંડ ફટકાર્યો છે, કારણ કે તે બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝીટ એકાઉન્ટ્સમાં એટીએમ કાર્ડ માટે વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જિસ લગાડતી હતી. આરબીઆઈએ અગાઉ આ સંદર્ભમાં આપેલા આદેશનું આ ઉલ્લંઘન હતું.
આરબીઆઈ દ્વારા એસવીસી બેન્કનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તેમાં માલુમ પડ્યું હતું કે તેણે બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝીટ એકાઉન્ટ્સમાં એટીએમ કાર્ડ માટે ધારકને વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જિસ લગાડ્યા હતા. આરબીઆઈએ ત્યારબાદ એસવીસી બેન્કને કારણદર્શક નોટિસ મોકલી હતી. બેન્કને પેનલ્ટી ફટકારવામાં કેમ ન આવે એ માટેનું કારણ દર્શાવવા એને જણાવાયું હતું. બેન્ક તરફથી નોટિસના મળેલા જવાબ અને સુનાવણી વખતે મૌખિક રીતે કરાયેલી રજૂઆત પર વિચારણા કર્યા બાદ આરબીઆઈએ એસવીસી બેન્કને રૂ. 13.3 લાખનો દંડ ફટકારવાનું નક્કી કર્યું હતું.
