મુંબઈ– રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની જાહેરાત કરી છે. ચાવીરુપ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6 ટકા અને રીવર્સ રેપો રેટ 5.75 ટકા યથાવત રાખ્યો છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એટલે કે એમએસએફ દર 6.25 ટકા ફેરફાર વગર રહ્યો છે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ 2018 માટે જીવીએ ગ્રોથનું અનુમાન 6.7 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યું છે. તેમજ નાણાકીય વર્ષ 2019માં જીવીએ ગ્રોથ 7.2 ટકા રહેવાનું અનુમાન જાહેર કર્યું છે. આરબીઆઈએ એપ્રિલ-સપ્ટેમ્બર 2018માં રીટેઈલ મોંઘવરી દર 5.1 ટકાથી 5.6 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે. ઓકટોબર-2018થી માર્ચ-2019 સુધીમાં રીટેઈલ મોંઘવારી દર 4.5 ટકાથી 4.6 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યું છે.
આરબીઆઈએ ક્રેડિટ પૉલીસીના રીપોર્ટમાં કહ્યું છે કે સીસ્ટમમાં સરપ્લસ લિકિવિટી ચાલુ રહેશે, એપ્રિલથી બેઝ રેટ પર દેવાને એમસીએલઆર સાથે જોડાશે. જીએસટી રજિસ્ટર્ડ નાના મધ્યમ ઉદ્યોગો માટે એનપીએ નિયમો સરળ થશે.