હાશઃ IT રીટર્ન ભરતાં આંકડામાં નાની ભૂલ ગઈ હશે તો નોટિસ નહીં મળે

નવી દિલ્હી– આવકવેરા ટેક્સ રીટર્નમાં સામાન્ય નાની ભૂલને કારણે આવકવેરા વિભાગની નોટિસનો સામનો કરનારા કરદાતાઓને હવે મોટી રાહત મળવા જઈ રહી છે. સેન્ટ્રેલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીઝ(સીબીડીટી)એ આ જાણકારી આપવા કહ્યું હતું કે ફોર્મ-16 અને ફોર્મ-26 એએસ( ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા પ્રાપ્ત કરેલ ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ)માં સાધારણ મિસમેચ હશે તો કરદાતાને હવે નોટિસ મળશે નહી, જો કે આંકડામાં મોટી ગરબડ હશે અથવા કો શંકા જશે તો નોટિસ આપવામાં આવશે.પહેલા કોઈપણ કરદાતાને બેંકો અને અન્ય નાણાકીય ટ્રાન્ઝક્શન ડેટા અથવા તેમના દ્વારા આઈટીઆરમાં આપેલી જાણકારી વચ્ચે થોડો મેળ નહી ખાતો હોય તો આવકવેરા વિભાગ કરદાતાને નોટિસ પાઠવી દેતા હતા. હવે આવા કરદાતાને રાહત આપવાની તૈયારીઓ થઈ રહી છે.

કેટલીક વાર કરદાતા દ્વારા ફોર્મ ભરતી વખતે અજાણતાથી આંકડામાં સાધારણ ભુલ થઈ જતી હોય છે. અને તેને કારણે તેને મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે. આવા લોકો ને રાહત આપવા માટે હાલમાં જ નાણાકીય બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ફોર્મ-16(એંપ્લોલ્યર દ્વારા) અને ફોર્મ-26(એએસ)ના મિસમેચ થતાં લોકોને રાહત આપવાની જોગવાઈ કરાઈ છે.

સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે આવા મામલામાં ડેટામાં મામુલી મિસમેચ હોય તો નોટિસ ઈસ્યુ નહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે કરદાતા પર વિશ્વાસ કરીએ છીએ. અને આવકવેરા રીટર્ન ફાઈલીંગને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ નિર્ણયથી સૌથી વધુ પગારદાર અને નાના કરદાતાઓને રાહત મળવાની ધારણા છે. પહેલી એપ્રિલ 2018થી આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવશે.