નવી દિલ્હીઃ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)નું કહેવું છે કે કરન્સી નોટ્સથી પણ નોવેલ કોરોનાવાઈરસનો ચેપ ફેલાઈ શકે છે એવી સંભાવનાને ભારતીય રિઝર્વ બેન્કે પુષ્ટિ આપી છે. વેપારીઓની આ રાષ્ટ્રીય સંસ્થાએ હવે એવી માગણી કરી છે કે સરકાર ડિજિટલ પેમેન્ટ્સ વધે એ માટે સવલત આપે.
શું ચલણી નોટ્સ બેક્ટેરિયા અને વાઈરસના વાહક બને એવી સંભાવના ખરી? આ વિશે સ્પષ્ટતા મેળવવા માટે CAIT સંસ્થાએ આ વર્ષની 9 માર્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને પત્ર લખ્યો હતો.
તે પત્ર જોકે રિઝર્વ બેન્કને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો, જેણે CAITને જવાબ લખ્યો છે અને એવો સંકેત આપ્યો છે કે કરન્સી નોટ્સથી બેક્ટેરિયા અને કોરોનાવાઈરસ સહિતના વાઈરસો ફેલાઈ શકે છે. તેથી કરન્સી નોટ્સની લેતી-દેતી ટાળવા માટે ડિજિટલ પેમેન્ટ્સનો વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ, એમ કોન્ફેડરેશને એક નિવેદનમાં જણાવ્યું છે.
RBIએ વધુમાં જણાવ્યું છે કે કોરોનાવાઈરસ રોગચાળાને અંકુશમાં રાખવા માટે લોકો મોબાઈલ અને ઈન્ટરનેટ બેન્કિંગ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વગેરે જેવા અનેક ઓનલાઈન ડિજિટલ માધ્યમોની મારફત ઘેરબેઠાં પેમેન્ટ કરી શકે છે. અને એ રીતે રોકડનો ઉપયોગ તથા ઉપાડને શક્ય એટલી હદે ઓછા રાખી શકે છે.
CAITના રાષ્ટ્રીય પ્રમુખ બી.સી. ભારતિયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના જણાવ્યા મુજબ, રિઝર્વ બેન્કનો જવાબ દર્શાવે છે કે ચલણી નોટો વાઈરસો અને બેક્ટેરિયાના વાહક છે, તેથી ચલણી નોટોની લેતીદેતી ટાળવા માટે ડિજિટલ પેમેન્ટ્સનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
CAIT સંસ્થાએ નાણાં પ્રધાન સીતારામનને એવી વિનંતી કરી છે કે ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન મળે અને એનો ઉપયોગ વધે એ માટે સરકાર કોઈક સવલતવાળી યોજના બહાર પાડે.
નિવેદનમાં જણાવાયું છે કે ડિજિટલ સોદાઓ પર બેન્કો દ્વારા લેવાતા ચાર્જિસને માફ કરવા જોઈએ અને સરકારે બેન્ક ચાર્જિસની જગ્યાએ બેન્કોને સીધી સબસિડી આપવી જોઈએ.