રાકેશ ઝુનઝુનવાલાએ MCXમાંથી પોતાનો હિસ્સો વેચી દીધો

મુંબઈઃ ભારતીય શેરબજારના ‘બિગ બુલ’ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાએ કોમોડિટી એક્સચેન્જ – એમસીએક્સમાંથી પોતાનો ૪.૯ ટકાનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે ઝુનઝુનવાલાના નિકટવર્તી ગણાતા અમિત ગોએલાએ હજી થોડા સમય પહેલાં જ એમસીએક્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપી દીધું હતું.

ઝુનઝુનવાલાના વિશ્વાસુ ગણાતા અમિત ગોએલા અને મધુ જયકુમાર વર્ષ ૨૦૧૫માં એમસીએક્સના બોર્ડમાં નિમાયા હતા. જયકુમાર વર્ષ ૨૦૨૦માં અને ગોએલા વર્ષ ૨૦૨૧માં બોર્ડમાંથી નીકળી ગયા છે.

વોરેન બફેટનું ભારતીય વર્ઝન ગણાતા ઝુનઝુનવાલા પાસે ગત જૂનમાં પૂરા થયેલા ક્વૉર્ટરમાં એમસીએક્સના ૨૫ લાખ શેર હતા. આ હકીકત એમસીએક્સે બીએસઈને મોકલેલા ફાઇલિંગ પરથી સ્પષ્ટ થાય છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરના આંકડાઓ મુજબ એમનું નામ એમસીએક્સના ટોચના જાહેર શેરધારકોમાં સામેલ નથી. નિયમ મુજબ દરેક કંપનીએ જાહેર શેરધારકોમાંથી જેનું શેરહોલ્ડિંગ એક ટકા કરતાં વધારે હોય તેમનાં નામ જાહેર કરવાનાં હોય છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઝુનઝુનવાલાએ ગત જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં પ્રતિ શેર ૧,૪૮૦થી ૧,૮૪૬ રૂપિયાના ભાવની રેન્જમાં પોતાના શેરનું વેચાણ ઓપન માર્કેટમાં કર્યું છે. એમણે એમસીએક્સમાં જુલાઈ ૨૦૧૪માં પ્રતિ શેર ૬૬૪ રૂપિયાના ભાવે આશરે ૧૦ લાખ શેર (લગભગ ૨ ટકા હિસ્સો) ખરીદ્યા હતા. ત્યાર બાદ તેઓ પોતાનું હોલ્ડિંગ વધારતા ગયા.

ઝુનઝુનવાલાના નિકટવર્તી લોકો એમસીએક્સના બોર્ડમાંથી નીકળી જવા ઉપરાંત બીજી નોંધનીય બાબત એ પણ છે કે ગત થોડા વખતથી એમસીએક્સમાં ટ્રેડિંગ વોલ્યુમ ઘટી રહ્યું છે. અમુક સેગમેન્ટમાં તો એક દાયકાનું સૌથી નીચું પ્રમાણ જોવા મળી રહ્યું છે. કંપનીના ઓપરેટિંગ નફામાં કોઈ મોટો ઉછાળો થયો નથી. તેના નફાનો મોટો હિસ્સો તેમાં અગાઉ જમા થયેલી રોકડ અનામતમાંથી મળી રહ્યો છે. એટલું જ નહીં, આ એક્સચેન્જ ડેટા ચોરી અને સોફ્ટવેરની ખરીદીને લગતા અમુક વાદવિવાદમાં પણ સપડાઈ છે.

સૂત્રોનું કહેવું છે કે ઝુનઝુનવાલાની રોકાણની સ્ટ્રેટેજીનું અનુકરણ કરનારા અન્ય કેટલાક હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સે પણ એમસીએક્સમાંથી હિસ્સો વેચી દીધો છે.

હાલ કોટક ગ્રુપ એમસીએક્સમાં ૧૫ ટકા હિસ્સા સાથે સૌથી મોટું રોકાણકાર છે. શેરબજારમાં એમસીએક્સના શેરને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સ્થાન મળ્યું હોવાથી તેના શેરમાં મોટા પ્રમાણમાં લે-વેચની સંભાવના વધી ગઈ છે.