જાણીતા ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા (62)નું નિધન

મુંબઈઃ પીઢ શેરબજાર ઈન્વેસ્ટર, ઉદ્યોગપતિ અને હાલમાં જ દેશમાં વિમાનસેવા શરૂ કરનાર એરલાઈન કંપની ‘અકાસા એર’ના સ્થાપક રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે અહીં નિધન થયું છે. તેઓ 62 વર્ષના હતા.

ઝી બિઝનેસ ચેનલના અહેવાલ મુજબ, ઝુનઝુનવાલાને આજે સવારે લગભગ 6.45 વાગ્યે દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ ડોક્ટરોએ એમને મૃત લાવેલા ઘોષિત કર્યા હતા. ઝુનઝુનવાલા ઘણા વખતથી બીમાર હતા.

ઝુનઝુનવાલાનો જન્મ 1960ની પાંચ જુલાઈએ મુંબઈમાં રાજસ્થાની પરિવારમાં થયો હતો. એમના પિતાએ ઈન્કમ ટેક્સ કમિશનર તરીકે સેવા બજાવી હતી. 2022ના જુલાઈ સુધીની ગણતરી અનુસાર, ઝુનઝુનવાલા પાસે 5.5 અબજ ડોલરની સંપત્તિ હતી. ભારતમાં સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં એમનો નંબર 36મો છે.

ઝુનઝુનવાલાના નિધનના સમાચાર જાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે. એમણે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન મોદીએ ભૂતકાળમાં જણાવ્યું હતું કે ઝુનઝુનવાલાને એમના અંગત મિત્ર છે.