એપ્રિલથી 800 જરૂરી દવાઓની કિંમતમાં ભાવવધારો થશે

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલ અને LPG ગેસ સિલિન્ડર પછી હવે દવાઓ પર પણ મોંઘવારીનો માર પડવાનો છે. એપ્રિલથી 800થી વધુ જરૂરી દવાઓની કિંમતમાં 10 ટકા સુધીનો વધારો થવાનો છે, જેમાં તાવ, હ્દય રોગ, હાઇ બ્લડ પ્રેશર, ત્વચા રોગ અને એનિમિયાની સારવારમાં વપરાતી દવાઓ સામેલ છે.

આવતા મહિનાથી પેનકિલર અને એન્ટિ બાયોટિક જેવી કે પેરાસિટામોલ, ફિનાઇટોઇન સોડિયમ,  મેટ્રોનિડાઝોલ જેવી જરૂરી દવાઓની કિંમતો મોંઘી થવાની છે. કેન્દ્ર સરકારે શેડ્યુલ ડ્રગ્સની કિંમતોમાં વધારાને લીલી ઝંડી આપી છે. નેશનલ ફાર્મા પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ના જણાવ્યા મુજબ આ દવાઓની કિંમતો જથ્થાબંધ મોંઘવારી દર (WPI)ને આધારે નક્કી કરવામાં આવી છે.

કોરોના રોગચાળા બાદ ફાર્મા ઇન્ડસ્ટ્રી દવાઓની કિંમત વધારવા સતત માગ કરી રહી હતી. NPPAએ શેડ્યુઅલ ડ્રગ્સની કિંમતોંમાં 10.7 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. શેડ્યુલ ડ્રગ્સમાં જરૂરી દવાઓ સામેલ છે. આમાં કોરોનાના મધ્યમથી ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવારના ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે.

ફાર્મા ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના જણાવ્યા મુજબ છેલ્લાં બે વર્ષમાં કેટલીય મુખ્ય APIની કિંમતો 15થી 130 ટકા સુધી વધી ચૂકી છે. પેરાસિટામોલની કિંમતમાં 130 ટકા વધારો થયો છે. જ્યારે સિરપ અને ઓરલ ડ્રોપની સાથે કેટલીક અન્ય દવાઓ અને મેડિકલ એપ્લિકેશનમાં વપરાતા ગ્લિસરિનની કિંમતમાં 263 ટકા અને પોપલિન ગ્લાઇકોલની કિંમતમાં 83 ટકા કિંમત વધી ચૂકી છે. ઇન્ટરમિડિયેટ્સની કિંમતમાં 11 ટકાથી 175 ટકાવો વધારો થઈ ચૂક્યો છે.

ગયા વર્ષે નવેમ્બરમાં એક લોબી સમૂહ જે 1000થી વધુ ભારતીય દવાઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરે છે, એણે સરકારને તત્કાળ પ્રભાવથી 10 ટકાનો વધારાની મંજૂરી આપવાનો આગ્રહ કર્યો હતો.