આવતા મહીને ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન સહિતની વસ્તુઓમાં થશે ભાવ વધારો

નવી દિલ્હીઃ જો તમે દશેરા અને દીવાળી ટાણે ટીવી અને ફ્રીઝ તેમજ વોશિંગ મશીન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમને આ વસ્તુઓ અત્યારના ભાવ કરતા મોંઘી પડી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવી વસ્તુઓમાં આવતા મહીનેથી 3થી5 ટકાનો ભાવ વધારો થવા જઈ રહ્યો છે.

તો આ સાથે જ માઇક્રોવેવ ઑવન અને લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ભાવમાં પણ 3-6% સુધી વધારો થશે. મહત્વનું છે કે આમાંથી કેટલાક પ્રોડક્ટ્સ પર ગત મહિને જીએસટી રેટ ઘટ્યો હોવા છતા તેનો ફાયદો ગ્રાહકોને ઓછો થશે. ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના માર્કેટમાં મોટાભાગની કંપનીઓએ તેની પ્રોડક્ટ્સની કિંમતમાં 3-5.5 ટકા સુધી વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એલજી અને સેમસંગ જેવી દિગ્ગજ કંપનીઓના ભાવ વધારાના નિર્ણયથી અન્ય બ્રાન્ડ્સ પણ ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કંપની દ્વારા ભાવમાં વધારો કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આવતા મહીને નવા રેટ-કાર્ડ આવી જશે. સેમસંગ કંપનીની પ્રોડક્ટની જો વાત કરવામાં આવે તો તેની પ્રોડક્ટમાં 3થી5 ટકાનો વધારો થવાથી ગ્રાહકોને 20,000 રુપિયાની કીંમતના ફ્રીજ પર 1000 રુપિયા વધારે આપવા પડશે. અત્યારે સેમસંગના જે ટીવીનો ભાવ 50 હજાર રુપિયા છે તેના માટે ભાવ વધારો થયા બાદ 52,500 રુપિયા આપવા પડશે અને 1 લાખ રુપિયાના ટીવી પર આવતા માસથી ગ્રાહકોને 5 હજાર રુપિયા વધારે ચૂકવવા પડશે.

આવતા માસથી કોમ્પ્યુટરના ભાવમાં પણ વધારો થવા જઈ રહ્યો છે જો કે હજી કોમ્પ્યુટરમાં કેટલો ભાવ વધારો થશે તેની સ્પષ્ટતા નથી થઈ. કંપનીઓના જણાવ્યા અનુસાર ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ ડોલરના મુકાબલે રુપિયાના મુલ્યમાં ઘટાડો થવાનું છે. ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, પર્સનલ કમ્પ્યુટર જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ્સમાં લગાવવામાં આવતા ઘણા પાર્ટ્સ અન્ય દેશોમાંથી આયાત કરવા પડશે અને એટલા માટે જ તેની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી જાય છે.