રુપિયાના અવમૂલ્યન અંગે ચિંતા નહીં, પણ મંદી પર ધ્યાન આપવું પડશેઃ રઘુરામ રાજન

વોશિંગ્ટનઃ આરબીઆઈના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને ડોલરના મુકાબલે રૂપિયાના અવમૂલ્યન અંગે નિવેદન આપ્યું છે. રઘુરામ રાજને જણાવ્યું છે કે રુપિયો હજી એટલો નીચો નથી આવ્યો કે વધારે ચિંતા થાય. તો આ સાથે જ રઘુરામ રાજને મોદી સરકારને સલાહ આપી છે કે આ મંદી પર ધ્યાન આપવું પડશે. અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં આવેલા જેક્શન હોલ રિસોર્ટ ખાતે તેમણે સંબોધન કર્યું હતું. જ્યાં તેમણે જણાવ્યુ હતું કે, લિવરેજ અને એસેટની ઊંચી કિંમત બન્ને ભેગા થાય એવા માર્કેટમાં મંદીની શક્યતા ખુબ વધી જાય છે.

વધુમાં વાત કરતા રઘુરામ રાજને જણાવ્યું કે લિવરેજ અને હાઈ એસેટ પ્રાઈઝ વેપારમાં નુકસાન કરાવશે. જેથી વિશ્વના દેશોએ આ મુદ્દે સાવધાન રહેવું જોઈએ. 2008ની મહામંદીની સૌથી પહેલી આગાહી રઘુરામ રાજને જ 2005માં જેક્શન હોલ ખાતેથી જ કરી હતી.રાજનના કહેવા પ્રમાણે દુનિયાભરમાં એવા ઉદ્યોગ સાહસિકો વધી રહ્યા છે કે જે પોતાની કુલ સંપત્તિ કરતા વધારે ફંડ મેળવીને વેપાર કરી રહ્યા છે.

આ સાથે જ રઘુરામ રાજને જણાવ્યું કે સરકારે પોતાનું રાજકોષીય નુકસાન ઓછું કર્યું છે. કાચા તેલની વધતી કિંમતને કારણે ચાલુ ખાતાનું નુકસાન વધ્યું છે. નોંધનીય છે કે 16 ઓગસ્ટના રોજ રૂપિયા અત્યાર સુધીના સૌથી નીચેના સ્તર 70.32 પર પહોંચી ગયો હતો, આ ઐતિહાસિક નીચલું સ્તર હતું. જોકે શુક્રવારે રૂપિયામાં સુધારો જોવા મળ્યો અને તે 20 પૈસા સુધરીને 69.91 પર પહોંચ્યો.

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોર અંગે વાત કરતા રઘુરામ રાજને જણાવ્યું કે આ લોકોના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા જોઈએ. નહિંતર તેના માઠા પરિણામો માત્ર બે દેશોએ નહીં આખી દુનિયાએ ભોગવવા પડશે. અત્યારે જોકે વિશ્વનું અર્થતંત્ર સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. પરંતુ એ જ સ્થિતિ જળવાઈ રહે એ માટે ચીન-અમેરિકાને શાંત પાડવા પડશે.