અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે શેરબજારોએ ફેબ્રુઆરી સિરીઝનો તેજી સાથે પ્રારંભ થયો છે. રિલાયન્સની આગેવાની હેવીવેઇટ શેરો અને HDFC બેન્કની આગેવાનીમાં બેન્કિંગ શેરોમાં લાલચોળ તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 50 ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુ ઊછળ્યા હતા. જેથી સેન્સેક્સ 72,000ને પાર અને નિફ્ટી 21,750ને પાર પહોંચ્યા હતા. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આશરે રૂ. છ લાખ કરોડનો વધારો થયો હતો.
વૈશ્વિક માર્કેટમાં થયેલી તેજી અને એશિયન માર્કેટો પણ સેન્ટિમેન્ટ તેજીતરફી હોવાને કારણે સ્થાનિક શેરબજારોમાં પણ આગઝરતી તેજી થઈ હતી. આ સાથે નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ થશે, જે કારણે પણ શેરોમાં બજેટ રેલી થઈ હતી. આ ઉપરાંત મોદી સરકારનું આ વખતનુ બજેટ પ્રમાણમાં હળવું રહેવાના સંકેત છે, કેમ કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલું બજેટ હશે. આમ બજારનું સેન્ટિમેન્ટ તેજીતરફી થયું છે.
BSE સેન્સેક્સ 1240.90 પોઇન્ટ ઊછળી 71,941.57ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 385 પોઇન્ટ ઊછળીને 21,737.60ના મથાળે બંધ રહ્યો હતો. એકમાત્ર FMCG ઇન્ડેક્સ સિવાય બધા સેક્ટોરિયલ ઇન્ડાયસિસ તેજીમાં હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ લાવ-લાવ રહ્યું હતું. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. છ લાખ કરોડનો વધારો થયો હતો.
BSE પર 4061 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2268 શેરોમાં તેજી રહી હતી. 1652 શેરોમાં ઘટાડો થયો હતો. જ્યારે 473 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 26 શેરો નીચલા સ્તરે પહોંચ્યા હતા.