નવી દિલ્હીઃ વડાપ્રધાન કાર્યાલયે 50 કરોડથી વધારે કામદારો માટે યૂનિવર્સલ સોશિયલ સિક્યોરિટીઝ સાથે જોડાયેલા શ્રમ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આના વર્તુળમાં કૃષિ ક્ષેત્રમાં કામ કરનારા કામદારો પણ આવશે. શ્રમ મંત્રાલય આવનારી ચૂંટણી પહેલા આ સ્કીમને લાગુ કરી દેવા માંગે છે. આ અંતર્ગત પેન્શન અને મેટરનિટી કવરેજ સાથે ઓપ્શનલ મેડિકલ, બીમારી અને બેરોજગારી કવરેજ પણ આપવામાં આવશે.
નાણા અને શ્રમ મંત્રાલય આ યોજનાની વિગતો પર કામ કરશે. દેશની ટોટલ વર્કફોર્સના નીચલા 40 ટકા જેટલા ભાગ માટે આ સ્કીમને પૂરી રીતે લાગુ કરવા માટે આશરે 2 લાખ કરોડ રૂપિયાની જરૂરત પડશે. વર્કફોર્સના બાકી 60 ટકા ભાગને આ સ્કીમ માટે પોતાના ખીસ્સામાંથી થોડા અથવા તો પૂરા પૈસા આપવાના રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર થોડા સમય પહેલા જ થયેલી એક હાઈ લેવલ મીટિંગમાં પીએમઓએ શ્રમ મંત્રાલયને સોશિયલ સિક્યોરિટી કવર પર પગલાઓ વધારવાનું સુચન કર્યું છે. આ બેઠકમાં મિનિસ્ટ્રીના અધિકારીઓએ યૂનિવર્સલ સોશિયલ સિક્યોરિટી કોડ વિશે એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ફાઈનાન્સ મિનિસ્ટ્રી પણ આ આઈડિયાથી સહમત છે.