પેન્શન વધારવા પર સુપ્રીમ કોર્ટના આદેશને નથી માની રહ્યા PF અધિકારી

નવી દિલ્હીઃ ઈપીએફઓના અધિકારી હાયર પેન્શનને લઈને સુપ્રીમ કોર્ટના આદેશને જાણી જોઈને લાગુ નથી કરી રહ્યા. ઈપીએફઓએ આ મામલાને ગંભીરતાથી લેતા ચેતવણી આપી છે કે હાયર પેન્શન માટે યોગ્ય મામલાઓના સેટલમેન્ટમાં મોડુ થાય છે અથવા તો પેન્શન આપવાથી ઈનકાર કરવામાં આવે છે, તો આના માટે રીજનલ પીએફ કમિશનર અથવા તો ઈન્ચાર્જ જવાબદાર હશે. આવામાં હાયર પેન્શન માટે યોગ્ય મામલાઓનું સેટલમેન્ટ નિયમો અંતર્ગત કરવામાં આવે.

પરંતુ અત્યારે પ્રશ્ન એ છે કે સુપ્રિમ કોર્ટના આદેશ અંતર્ગત પેન્શન રીવાઈઝ કરવામાં નથી આવી રહ્યું. રીજનલ ઓફિસ આના માટે બહાનું બનાવી રહી છે કે આ મામલે હેડ ઓફિસથી ક્લેરિફિકેશન અને ગાઈડલાઈન્સ માટે લખવામાં આવ્યું છે અને હેડ ઓફિસમાંથી અત્યાર સુધી કોઈ જવાબ નથી આવ્યો. જ્યારે ઈપીએફઓની 16 ઓફિસે 3570 પેન્શનર્સનું પેન્શન રીવાઈઝ કરવા હાયર પેન્શન એરિયર પણ આપ્યું છે.

ઈપીએફઓના એડિશનલ સેન્ટ્રલ પીએફ કમિશનર આરએમ વર્માએ તમામ રીજનલ પીએફ કમિશનર્સને થોડા સમય પહેલા જ પત્ર લખીને જણાવ્યું છે કે હાયર પેન્શન મામલાઓમાં નોન સેટલમેન્ટ મામલાઓ વધી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ હાયર પેન્શન માટે આવેદન આપે છે અને તેનું આવેદન સુપ્રીમ કોર્ટના આદેશ અંતર્ગત પેન્શનની સમીક્ષાને યોગ્ય નહી જણાય તો તે વ્યક્તિને અરજી મળ્યાના 7 દિવસની અંદર આ જાણકારી આપવાની રહેશે. 

સુપ્રીમ કોર્ટે 2016ના પોતાના એક આદેશમાં કહ્યું છે કે ઈપીએફઓને પીએફ મેમ્બર્સને પેન્શન ફંડમાં આખા પગાર પર કંટ્રીબ્યૂશનનો ઓપ્શન આપવાનો રહેશે. આનો અર્થ એ છે કે જે લોકો 1 સપ્ટેમ્બર 2014 પહેલા નોકરીમાં જોડાયા છે તેઓ પોતાનો આખો પગાર પેન્શન ફંડમાં કન્ટ્રિબ્યૂટ કરી શકે છે. તેઓ આના માટે કંપની અને ઈપીએફઓ પાસે આવેદન કરી શકે છે.