નવી દિલ્હીઃ ડિજિટલ પ્લેટફોર્મ બધાં માટે અનેક કામો સરળ કરવાનું માધ્યમ બની ચૂક્યું છે, પણ એના દ્વારા અનેક પ્રકારનાં કૌભાંડો પણ થઈ રહ્યાં છે. સોશિયલ મિડિયાથી અનેક લોકો સાથેની છેતરપિંડી થતી રહે છે અને બહાર પણ આવતી રહે છે. તાજા મામલો મહારાષ્ટ્રના નાગપુરથી સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિની સાથે નોકરીને નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં એક શખસને ઓનલાઇન છતરપિંડી કરનારાઓએ જોબને નામે રૂ. 42 લાખથી વધુનો ચૂનો લગાડ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર એક IT પ્રોફેશનલ પીડિત પ્રફુલ્લ રગરાઓ ગોંડેકરની સાથે સરળ કમાણી કરવાને નામે છેતરપિંડી થઈ છે. ઠગોએ સરળ કમાણી કરવા માટે ઇન્ટરનેટ પર અલગ-અલગ કામોને પૂરાં કરવા માટે લાલચ આપી હતી. આ માટે તેમણે વોટ્સએપ ગ્રુપથી જોડવામાં આવ્યા અને ઓનલાઇન ટાસ્ક પૂરો કરવા માટે કહેવામાં આવ્યું હતું.
પ્રફુલ્લને વોટ્સએપ પર ઓનલાઇન પાર્ટ ટાઇમ નોકરી કરવા માટે એક લિન્ક મળી હતી. એ સાથે તેમને 35 સભ્યોવાળા LY ઓનલાઇન ટ્રેડિંગ D101 નામના ચેટ ગ્રુપમાં પણ ઉમેરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં અન્ય સભ્યોને જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલા મૂડીરોકાણથી બહુ લાભ થયો છે. આવામાં પીડિત પ્રફુલ્લનો વિશ્વાસ વધી ગયો, જે પછી તેણે આગળની પ્રક્રિયાને અપનાવી.
સાયબર ક્રિમિનલોએ પીડિતનો લાભ ઉઠાવવા માટે એક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવા માટે પ્રોત્સાહિત કર્યો. રજિસ્ટ્રેશન કર્યા પછી તે કોઈ પૈસાની કમાણી નહીં કરી શક્યો, પણ તેને એવાં અનેક કામો સોંપવામાં આવ્યાં, જેમાં તે દરેક વખતે કામ પૂરું કરવામાં નિષ્ફળ રહે અને તેને પૈસાનું નુકસાન થાય. ગોંડેકરે બે મહિનામાં ક્રિમિનલોને કારણે રૂ. 42.55 લાખ સુધીનું નુકસાન થયું.