શું કેવાયસીના પૂર્ણ વેલિડેશન વિના સોમવારથી શેર સોદા કરવા નહીં મળે?

મુંબઈઃ કેપિટલ માર્કેટની નિયમન સંસ્થા ‘સેબી’એ કેઆરએ (કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી) અને બ્રોકરોને તમામ ગ્રાહકો અને સંબંધિત વર્ગના તમામ ફિલ્ડ્સના કેવાયસી (નો યોર ક્લાયન્ટ્સ) ડેટા પૂર્ણપણે વેલિડેટ થયા હોવાની ખાતરી મેળવવા કહ્યું હોવાનો અહેવાલ છે. આમ તો આ પ્રોસેસ કેઆરએ અને એક્સચેંજના મેમ્બર્સ બ્રોકર્સ વચ્ચે ઘણાં મહિનાથી ચાલુ છે, પરંતુ હવે ‘સેબી’ના આ આદેશનું પાલન નહીં કરનારને તા. ૪ સપ્ટેમ્બરથી શેરબજારમાં સોદા કરવા મળશે નહીં, અર્થાત જે રોકાણકારનું એકાઉન્ટ પૂર્ણપણે વેલિડેટ થયું નહીં હોય તેમના એકાઉન્ટ્સમાં સોદા થઈ શકશે નહીં.

કેઆરએ અને બ્રોકરોએ તેમના ગ્રાહકોનાં બધાં ફિલ્ડ્સના ડેટા રેગ્યુલેશન મુજબ વેલિડેટ થયા હોવાની ખાતરી કરવા સંયુક્ત રીતે કાર્ય કરવું જોઈશે. આ વિષયમાં એક્સચેંજ અને ડિપોઝિટરીઝ કેઆરએ, બ્રોકર્સ અને ડીપી (ડિપોઝિટરી પાર્ટિસીપન્ટ્સ)ને સુવિધા માટે સહાય કરશે. જેથી ગ્રાહકોનું ટ્રેડિંગ અટકે નહીં.