SBI સાથે પેટા-બેન્કોના વિલિનીકરણને સંસદે મંજૂરી આપી

નવી દિલ્હી – છ પેટા બેન્કોને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)માં વિલિન (મર્જ) કરવાના ખરડાને સંસદે આજે મંજૂરી આપી દીધી છે. રાજ્યસભાએ સ્ટેટ બેન્ક્સ (રીપેલ એન્ડ અમેન્ડમેન્ટ) બિલ, 2017ને મંજૂરી આપી દીધી છે.

આ ખરડો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (સબસિડીયરી બેન્ક્સ) એક્ટ, 1959 અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ એક્ટ, 1956ને રદ કર્યો છે અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એક્ટ, 1955માં સુધારો કર્યો છે.

સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ માયસોર, સ્ટેટ બેન્ક પટિયાલા અને સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરની સ્થાપના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (સબસિડીયરી બેન્ક્સ) એક્ટ, 1959 હેઠળ કરવામાં આવી હતી.

સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ અને સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા સંપૂર્ણપણે SBIની માલિકી છે. સ્ટેટ બેન્ક ઓફ માયસોરમાં SBIનો 90 ટકા હિસ્સો છે જ્યારે સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુરમાં 75.07 ટકા અને સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરમાં 79.09 ટકાનું હોલ્ડિંગ છે.