ભારતના વિકાસ દરમાં ભવિષ્યમાં પણ વૃદ્ધિ જળવાઈ રહેશે: IMF

નવી દિલ્હી- ક્રૂડ ઓઈલના ઊંંચા ભાવ અને ચુસ્ત મોનેટરી પોલિસીને કારણે વર્ષ 2018-19માં ભારતના વિકાસદર માટે પોતાની પહેલાની આગાહીના પૂર્વાનુમાનને થોડો ઓછો કરવા છતાં ઈન્ટરનેશનલ મોનીટરી ફંડે (IMF) જણાવ્યું છે કે, ભવિષ્યમાં પણ ભારતનો વિકાસદર મજબૂત રહેશે. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડે (IMF) વર્ષ 2018માં ભારતનો વિકાસ દર 7.3 ટકા અને વર્ષ 2019માં 7.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જે તેણે એપ્રિલમાં જણાવેલા અનુમાનથી ક્રમશ: 0.1 ટકા અને 0.3 ટકા ઓછું છે.IMFના સંશોધન વિભાગના ડિરેક્ટર અને આર્થિક સલાહકાર મોરીસ ઓબ્સ્ટેફેલ્ડે જણાવ્યું કે, ‘ભારતના વિકાસ દરમાં ભવિષ્યમાં પણ વૃદ્ધિ જળવાઈ રહેશે’. વર્તમાનમાં આ ગતિ થોડી ધીમી છે પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. વધુમાં મોરીસ ઓબ્સ્ટેફેલ્ડે જણાવ્યું કે, ભારતના વૃદ્ધિ દરને ઓછા કરનારા પ્રમુખ કારણોમાં વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલના ઊંંચા ભાવ અને ચુસ્ત મોનેટરી પોલિસી મુખ્ય કારણો છે.

ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે ફુગાવાના દરમાં વધારો થશે કારણ કે ઈંધણની બાબતમાં ભારતને આયાત પર વધુ નિર્ભર રહેવું પડે છે. આ ઉપરાંત વૈશ્વિક નાણાકીય સ્થિતિઓ પણ પહેલાં કરતાં વધુ મુશ્કેલ બની છે. જેના લીધે આગામી વર્ષના વૃદ્ધિ દર ઉપર થોડી અસર પડી શકે છે.

આપને જણાવી દઈએ કે, IMFએ ભારતનો આર્થિક વિકાસ ચાલુ નાણાંકીય વર્ષમાં 7.5 ટકાથી ઘટાડી 7.3 ટકા કર્યો છે. IMFએ ચીનનો આર્થિક વૃદ્ધિ દર આ વર્ષે 6.6 ટકા અને આગામી વર્ષમાં 6.4 ટકા પર સ્થિર રાખ્યો છે. આંતરરાષ્ટ્રીય એજન્સી અનુસાર અમેરિકાનો આર્થિક વૃદ્ધિ દર વર્ષ 2018માં 2.9 ટકા અને આગામી વર્ષમાં 2.7 ટકા રહેવાનો અંદાજ છે. બીજી તરફ IMFનું માનવું છે કે, વેપારને લઈને વધી રહેલો તણાવ વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમ ઊભું કરે છે.