મુંબઈ – દેશના ઓટોમોબાઈલ ઉદ્યોગમાં હાલ ફરી વળેલી આર્થિક મંદીને કારણે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયામાં 3000થી વધારે કામચલાઉ કર્મચારીઓએ એમની નોકરી ગુમાવી દીધી છે.
કંપનીના ચેરમેન આર.સી. ભાર્ગવે કહ્યું છે કે મંદીને કારણે કામચલાઉ કર્મચારીઓના કોન્ટ્રાક્ટ્સ રીન્યૂ કરવામાં આવ્યા નથી. કાયમી કર્મચારીઓને કોઈ અસર પડી નથી.
ભાર્ગવે કહ્યું કે આ બિઝનેસનો એક ભાગ છે. જ્યારે માગણી વધે ત્યારે કોન્ટ્રાક્ટ પર વધારે કર્મચારીઓને રોકવામાં આવે અને જ્યારે માગણી ઘટી જાય ત્યારે એવા કર્મચારીઓની સંખ્યા ઘટાડી દેવામાં આવે.
હાલ ફરી વળેલી આર્થિક મંદીને કારણે તેમજ ઉત્પાદનમાં કાપ મૂકાવાથી મારુતિ કંપનીમાં નોકરીઓમાં પણ કોઈ કાપ મૂકવામાં આવ્યો છે ખરો? એવા સવાલના જવાબમાં ભાર્ગવે ઉપર મુજબ જણાવ્યું હતું.
એમણે કહ્યું કે મારુતિ સુઝૂકીમાં 3000થી વધારે હંગામી કર્મચારીઓએ નોકરી ગુમાવી છે.
દેશના અર્થતંત્રમાં ઓટોમોબાઈલ સેક્ટર ઘણી નોકરીઓનું સર્જન કરે છે. આ ઉદ્યોગ સેલ્સ, સર્વિસ, ઈન્શ્યોરન્સ, લાઈન્સિંગ, ફાઈનાન્સિંગ, એક્સેસરીઝ, ડ્રાઈવર્સ, પેટ્રોલ પમ્પ્સ, ટ્રાન્સપોર્ટેશન જેવા વિભાગોમાં લોકોને નોકરીએ રાખે છે.