અન્ય રેટિંગ એજન્સીઓ ભારતના રેટિંગ વધારવા પર કરી રહી છે વિચાર

નવી દિલ્હી- ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના રેટિંગ વધાર્યા બાદ હવે બીજી રેટિંગ એજન્સીઓ પણ આ મામલે વિચાર કરી શકે છે. આ એજન્સીઓમા ફિચ અને એસએન્ડપીનો પણ સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ એજન્સીઓને ભારતના રેટિંગની સમીક્ષા કરવાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ એજન્સીઓ સાથે સીનિયર ઓફિસરોની મીટિંગ પણ થઈ છે. મીટિંગમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ઈકોનોમિક રિફોર્મ્સની જાણકારી એજન્સીઓને આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નાણા મંત્રાલય દ્વારા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ માટે મોટા પગલા ભરવામાં આવ્યા છે. આધારનું બેંક એકાઉન્ટ્સ સાથે જોડાણ, બેંકરપ્સી કોડ, ડિઝિટાઈઝેશન અને જીએસટી જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ તમામ નિર્ણયોને નજર અંદાજ કરી શકાય તેમ નથી. નાણામંત્રાલય ઈચ્છે છે કે રેટિંગ એજન્સીઓ જરૂરી જાણકારી સાથે ઈન્ડિયન ઈકોનોમીને યોગ્ય રીતે જાણ્યા બાદ રેટિંગની સમીક્ષા કરે.

બેંકિંગ અને કોર્પોરેટ જગતના દિગ્ગજોનું માનીએ તો તેમનું કહેવું છે કે મૂડીઝના રેટિંગ સુધારવાથી બીજી ગ્લોબલ એજન્સીઓને પણ ભારતના રેટિંગ સુધારવા માટે વિચાર કરવા પર મજબૂર થવું પડશે. તો આ સિવાય રેટિંગમાં સુધારો આવવાથી ફાઈનાન્સિયલ સિસ્ટમને મજબૂતી મળશે. મૂડીઝ દ્વારા એસબીઆઈના રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા તે જોતાં સ્પષ્ટ થાય છે કે ફાઈનાન્સિયલ સિસ્ટમમાં મજબૂતી ચોક્કસ આવી છે.