પાટીદારોનું કોગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ, અનામત મુદ્દે સ્પષ્ટતા કરે

0
2254

અમદાવાદ- પાટીદારોને અનામત આપવા માટેના પ્રસ્તાવિત ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવા માટે પાસ અને કોંગ્રેસ વચ્ચે દિલ્હીમાં એક મહત્વની બેઠક યોજાવાની હતી, પરંતુ આ અંગે કોંગ્રેસ દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા રૂઠી ગયેલા પટેલ નેતાઓએ કોંગ્રેસને 24 કલાકનુ અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે જો સમય મર્યાદા અનુસાર તમે તમારૂ વલણ સ્પષ્ટ નહી કરો તો પાટીદારો તમારો વિરોધ કરશે. અનામત મુદ્દે કોંગ્રેસ અને પાટીદારો વચ્ચે મંડાગાઠ પડી છે.

પાસ દ્વારા કોંગ્રેસને ચીમકી આપવામાં આવી છે કે જો કોંગ્રેસ કોઈ નિર્ણાયક ફોર્મ્યુલા આપવામાં નાકામ રહેશે તો તે કોંગ્રેસ વિરૂદ્ધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં પાસને 6 બેઠકો આપવાનો ભરોસો આપ્યો હતો, જ્યારે હમણા જ પાર્ટીમાં જોડાયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને 12 સીટો આપવાનો વાયદો કર્યો છે.

પટેલોને અનામત આપવા પર વાતચીત કરવા માટે નિમણૂંક પામેલા પાસના સદસ્ય દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે કોંગ્રેસ નેતાઓ દ્વારા અમને બપોરના સમયે દિલ્હી અનામત મુદ્દે વાતચીત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. અમે લોકોએ કલાકો સુધી તેમની રાહ જોઈ પરંતુ તેમણે અમારા લોકો સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં રસ ન દાખવ્યો. ત્યાં સુધી કે પાર્ટી હાઈકમાન્ડ સાથે બેઠકનું આયોજન કરનારા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ અમારો ફોન પણ ન ઉપાડ્યો. પાટીદાર નેતાઓએ જણાવ્યું કે કોંગ્રેસ અમારી સાથે દગો નહી કરી શકે.