ન્યૂયોર્કઃ ચેટજીપીટી પ્રોગ્રામની ડેવલપર ઓપનએઆઈ સ્ટાર્ટઅપ કંપનીએ તેના વચગાળાના સીઈઓ તરીકે એમ્મેટ શીયરની નિમણૂક કરી છે, જેઓ અગાઉ અમેરિકાની ટેલિવિઝન બ્રોડકાસ્ટર કંપની ટ્વિચના વડા હતા. શીયર સેમ ઓલ્ટમેનના અનુગામી બન્યા છે. ઓલ્ટમેન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંશોધન કંપની ઓપનએઆઈની ટોચની સમર્થક કંપની માઈક્રોસોફ્ટમાં જોડાયા છે. ત્યાં તેઓ નવી અદ્યતન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટીમનું નેતૃત્ત્વ સંભાળશે. આ જાણકારી અમેરિકાની અગ્રગણ્ય સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ આપી છે. એમણે કહ્યું છે કે, ‘અમે ઓપનએઆઈ સાથેની ભાગીદારીને ચાલુ રાખવા પ્રતિબદ્ધ છીએ.’
નડેલાએ એમ પણ કહ્યું છે કે, ‘ઓપનએઆઈના સીઈઓ પદેથી ઓલ્ટમેનની ઓચિંતી હકાલપટ્ટી કરાયા બાદ કંપનીના પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેન પણ માઈક્રોસોફ્ટમાં જોડાશે.’ ઓલ્ટમેનની હકાલપટ્ટીના વિરોધમાં ઓપનએઆઈના ડઝનબંધ કર્મચારીઓએ પણ રાજીનામાની જાહેરાત કરી હતી. એમનું કહેવું છે કે ઓલ્ટમેન સોફ્ટવેરના અત્યંત જ્ઞાની વ્યક્તિ છે.
