દેશમાં ધનતેરસે થશે રૂ. 50,000 કરોડનો વેપાર

નવી દિલ્હીઃ દિવાળીનો પ્રારંભ ધનતેરસથી થઈ જશે. વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળી માટે દેશના બધાં બજારો અને વેપારીઓએ તૈયારી કરી લીધી છે. દેશના બજારોમાં ચાઇનીઝ માલસામાનની જગ્યાએ ભારતીય ચીજવસ્તુઓની માગ વધી છે. આ વર્ષે દેશમાં રૂ. 50,000 કરોડના વેપારનો અંદાજ છે, એમ ટ્રેડર્સ એસોસિયેશને જણાવ્યું હતું. 

કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ધનતેરસના દિવસે દેશભરમાં રૂ. 50,000 કરોડના રિટેલ વેપારનો અંદાજ છે. બીજી તરફ આ દિવાળીએ વોકલ ફોર લોકલની અસર બજારોમાં દેખાઈ રહી છે. એક અંદાજ મુજબ દિવાળીથી જોડાયેલા ચીની માલસામાનનું વેચાણ નહીંવત્ હોવાથી ચીનને આશરે રૂ. એક લાખ કરોડના નુકસાનની વકી છે.   લોકો ધનતેરસે સોના-ચાંદીના દાગીનાની સાથે ઇલેક્ટ્રોનિક્સ સામાનની ખરીદી કરે છે.

ધનતેરસના દિવસે સિદ્ધિ વિનાયક શ્રીગણેશજી,  ધનની દેવી મહાલક્ષ્મીજી અને કુબેરજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીનાં ઘરેણાં, બધાં પ્રકારના વાસણો, ગાડી, કપડાં વગેરેની ખરીદી શુભ માનવામાં આવે છે.ધનતેરસના દિવસે બધા વેપારીઓએ સોના-ચાંદી, ડાયમંડ વગેરેની ડિઝાઇનના ઘરેણાંનો સ્ટોક કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે આર્ટિફિશિયલ જ્વેલરીની પણ મોટી માગ છે. આ વર્ષે સોના-ચાંદીના સિક્કા, નોટ અને મૂર્તિઓની પણ માગ રહેવાની છે. ધનતેરસે હોટેલ, રેસ્ટોરાં અને કેટરિંગના વ્યવસાયથી સંકળાયેલા વેપારીઓ પણ વાસણોની ખરીદી કરતા હોય છે.