ઓલાની પબ્લિક ઓફર 2022ના પ્રારંભે આવવાની શક્યતા

મુંબઈઃ ઓનલાઇન કેબ એગ્રિગેટર ઓલા વર્ષ 2022ના પ્રારંભમાં આશરે દોઢથી બે અબજ ડોલર એકત્ર કરવા IPO લાવવાની તૈયારીમાં છે. આ IPO માટે કંપનીનું વેલ્યુએશન 12-14 અબજ ડોલર હશે. બેંગલુરુસ્થિત એ સ્ટાર્ટઅપ આ IPOનાં અડધાં નાણાં નવા ઇશ્યુ અને અડધાં નાણાં ઓફર ફોર સેલ દ્વારા એકઠા કરશે, એમ સૂત્રોએ કહ્યું હતું. કંપની બજારમાં હાલ ચાલતી તેજીનો લાભ લેવા માગે છે.

ઓલાએ આ IPOના ઇન્વેસ્ટમેન્ટ બેન્ક તરીકે સિટી ગ્રુપ, કોટક મહિન્દ્રા બેન્ક, ગોલ્ડમેન સાક્સ અને જેપી મોર્ગન સ્ટેન્લીને પસંદ કર્યા છે.  સોફ્ટબેન્ક અને ટાઇગર ગ્લોબલ સમર્થિત કંપની ઓક્ટોબર સુધીમાં પ્રસ્તાવિત ઇશ્યુ સંબંધિત દસ્તાવેજો ઓક્ટોબરમાં ફાઇલ કરે એવી શક્યતા છે. ગયા મહિનાના પ્રારંભે વોરબર્ગ રિંક્સ અને ટિમાસેક હોલ્ડિંગ્સે અન્ય બે લોકો સાથે ઓલામાં 50 કરોડ ડોલરનું મૂડીરોકાણ કર્યું હતું.

કંપનીના CEO ભાવિશ અગ્રવાલે રવિવારે તેમને મોકલાયેલા સવાલોનો કોઈ જવાબ નહોતો આપ્યો. બેન્કોએ પણ તત્કાળ કોઈ પ્રતિભાવ નહોતો આપ્યો. ઓલા માટે કંપનીનું મૂલ્યાંકન એક પડકાર હશે, કેમ કે ગયા વર્ષમાં કેટલાંય ફંડોએ કંપનીના મૂલ્યાંકનમાં ઘટાડો કર્યો હતો, કેમ કોરોના રોગચાળામાં અને એ પછીના લોકડાઉનમાં યાત્રા કરવા પર કેબ આધારિત બજારમાં અડચણો ઊભી થઈ હતી. જોકે હવે દેશમાં રસીકરણ થઈ રહ્યું છે અને ધીમે-ધીમે બધું પૂર્વવત થઈ રહ્યું છે.

નવેમ્બરમાં અમેરિકી રોકાણકારો ટી. રો પ્રાઇસ અને વેનગાર્ડે પણ ભારતીય ટેક સ્ટાર્ટઅપનું મૂલ્યાંકન ઓછું કર્યું હતું.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]