સરકાર LICમાં FDI મર્યાદા 20% રાખે એવી શક્યતા

નવી દિલ્હીઃ દેશના અત્યાર સુધીના સૌથી મોટા પબ્લિક ઇશ્યુ (IPO) માટે કમર કસી રહેલી સરકારી કંપની લાઇફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) માટે રોકાણમર્યાદા નક્કી કરી શકે છે. સરકાર એલઆઇસીમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ 20 ટકા સુધી સીમિત રાખી શકે છે. જોકે ખાનગી ક્ષેત્રની ઇન્શ્યોરન્સ પ્લેયર્સ માટે દરિયાપારના મૂડીરોકાણની મર્યાદા 74 ટકા છે અને ભારતીય રોકાણકારો માટે એ મર્યાદા 20 ટકા –રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો માટે છે. જોકે  હજી એ અસ્પષટતા હતી કે એના માટે સરકારે સંસદની મંજૂરી લેવાની જરૂર પડશે કે નહીં. વળી, એલઆઇસીના આઇપીઓ થકી હિસ્સો વેચવા  માટે સિક્યોરિટી કોન્ટ્રેક્ટસ (રેગ્યુલેશન)ના નિયમોમાં પહેલેથી સુધારો કર્યો હતો કે જે લિસ્ટેડ કંપનીઓનું રૂ. એક લાખ કરોડથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશન હશે તેમને લિસ્ટિંગના – જે અગાઉ 10 ટકા મર્યાદા હતી, એને બદલીને પાંચ ટકા હિસ્સો વેચવાની મંજૂરી આપી શકાય.

કેન્દ્ર સરકારે એલઆઇસીના ઇશ્યુ માટે 10 મર્ચન્ટ બેન્કોની પસંદગી કરી છે, આ પસંદગીની બેન્કોમાં ગોલ્ડમેન સાક્સ, સિટીગ્રુપ, કોટક મહિન્દ્રા, એબીઆઇ કેપ્સ સામેલ છે. આ સિવાય જેએમ ફાઇનાન્સિયલ લિ., એક્સિસ કેપિટલ, નોમુરા, બોફા સિક્યોરિટી, જેપી મોર્ગન પ્રા. લિ., અને ICICI સિક્યોરિટીઝ સામેલ છે.

સરકારે પોલિસી ખરીદવાવાળાને લાભ પહોંચાડવા માટે એક નવી યોજના બનાવી છે, જે મુજબ સરકાર LIC IPOમાં પોલિસીહોલ્ડરો માટે અલગથી ક્વોટા નક્કી કરે એવી શક્યતા છે. ઇશ્યુના કદના 10 ટકા પોલિસીધારકો માટે અનામત રખાય એવી સંભાવના છે.