વીજક્ષેત્રે કોલસાની અછતઃ સાત દિવસનો સ્ટોક રાખી શકાશે

નવી દિલ્હીઃ છેલ્લાં બે વર્ષમાં વીજ પ્લાન્ટમાં કોલસાના પુરવઠામાં સુધારો કરવાની જે આશા બંધાઈ હતી, એ ઠગારી નીવડી છે. દેશના 69 વીજ પ્લાન્ટો (કુલ ઉત્પાદન ક્ષમતા 88,887 મેગાવોટ) કોલસાની અછતથી ઝઝૂમી રહ્યા છે. છ પ્લાન્ટ તો એવા છે, જ્યાં કોલસાનો સ્ટોક લગભગ પૂરો થવામાં છે. વીજ મંત્રાલય પણ કોલસાની અછતની સ્થિતિની ગંભીરતા જાણે છે. શનિવારે વીજ સચિવની અધ્યક્ષતામાં એક મહત્ત્વની બેઠક થઈ હતી. એમાં વીજ પ્લાન્ટોમાં કોલસાની સ્થિતિની દેખરેખ અને એના પુરવઠાને વધારવાના ઉદ્દેશથી એક કોર મેનેજમેન્ટ ટીમ (CMT) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ ટીમ દરેક સપ્તાહે સ્થિતિની સમીક્ષા કર્યા પછી નિર્ણય લેશે.

CMTમાં વીજ મંત્રાલય સિવાય કેન્દ્રીય વીજ સત્તાવાળા અને કોલ ઇન્ડિયાના પ્રતિનિધિઓ હશે. કોલસાના પુરવઠા માટે વીજ મંત્રાલયમાં એક સમિતિ પહેલેથી કામ કરી રહી છે. એમાં રેલવે મંત્રાલય, કોલસાની કંપનીઓ, વીજ સંસ્થાના પ્રતિનિધિઓ પણ હોય છે. એ સમિતિ સાપ્તાહિક ધોરણે બેઠક કરે છે, તેમ છતાં છેલ્લા બે મહિનાઓમાં કોલસાની ખેંચ સતત વધી રહી છે. થોડા દિવસો પહેલાં વીજ પ્લાન્ટોને સીધા કોલસાની માગ માટે કેન્દ્રીય ઈ-મેઇલ એડ્રેસ જારી કરવામાં આવ્યું છે આ વીજ પ્લાન્ટોને કોલસાની માગ અને પુરવઠાની સ્થિતિ વિશે માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. એનાથી કોલસાની અછતને તત્કાળ દૂર કરવાનો નિર્ણય લેવાય એવી શક્યતા છે. વીજ મંત્રાલયે કોલસાની અછત દૂર કરવા માટે એક નિર્ણય લીધો છે. જે હેઠળ જ્યાં 14 દિવસોનો કોલસાનો સ્ટોક છે, ત્યાં સાત દિવસનો કોલસાનો સ્ટોક રાખીને બાકીનો સ્ટોક –જ્યાં અછત વધુ છે, ત્યાં મોકલી આપવામાં આવશે. આ દરમ્યાન કોલસાનો સ્ટોક વધારવાના યત્ન કરવામાં આવશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]