મુંબઈઃ સોફ્ટબેન્ક ગ્રુપનો સહયોગ મેળવનાર ઓલા ઈલેક્ટ્રિક કંપની ભારતમાં બેટરી સેલ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવા માટે અનેક વિશ્વસ્તરીય સપ્લાયર કંપનીઓ સાથે વાટાઘાટ કરી રહી છે. ઓલા ઈલેક્ટ્રિક ભારતમાં ‘50-ગીગાવોટ કલાકો’ની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખવા ધારે છે.
ઓલા ઈલેક્ટ્રિકને દર વર્ષે એક કરોડ ઈલેક્ટ્રિક સ્કૂટરને પાવર પૂરો પાડવા માટે 40 ગીગાવોટ કલાક બેટરી ક્ષમતાની જરૂર પડે. બાકીની 10 ગીગાવોટ બેટરી તેની ઈલેક્ટ્રિક કાર માટે વાપરશે. કંપની તેની ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન ભવિષ્યમાં કરવા માગે છે. બેટરી સેલ પ્લાન્ટ નાખવા માટે ઓલા ઈલેક્ટ્રિકને એક અબજ ડોલર (આશરે રૂ. 7,700 કરોડ)ની જરૂર પડે. જર્મન, કોરિયન, જાપાનીઝ સહિત 40 જેટલી ગ્લોબલ સપ્લાયર કંપનીઓ બેંગલુરુમાં ઓલાના મુખ્યાલય ખાતે કંપનીના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલ સાથે વાટાઘાટ કરે છે. ઓલા ઈલેક્ટ્રિક તેનો ભાવિ પ્લાન્ટ તામિલનાડુના કૃષ્ણગીરી ખાતે નાખવા ધારે છે. ઓલા હાલ સાઉથ કોરિયામાંથી બેટરી સેલની આયાત કરે છે.