મુંબઈઃ MPID કોર્ટે નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના કેસમાં રૂ. 10થી 20 લાખ સુધીની લેણી રકમ ધરાવતા લગભગ 2040 નાના ટ્રેડરોને ડિફોલ્ટરો પાસેથી રિકવર કરાયેલી રકમમાંથી તબક્કાવાર ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે MPID કાયદાના ઉદ્દેશને અનુલક્ષીને આ ચુકવણીમાં કોર્પોરેટ અને પાર્ટનરશિપ ટ્રેડરોને બાકાત રાખવાનો આદેશ કર્યો છે.
એક્સચેન્જની યાદીમાં જણાવ્યા મુજબ આ આદેશને પગલે કુલ 12,735 કહેવાતા ટ્રેડરોમાંથી 9193 એટલે કે 72 ટકા ટ્રેડરોને પૂરેપૂરી લેણી રકમ મળી જશે. ખરા ટ્રેડરોના હિત માટે લડત ચલાવી રહેલા NSELએ ઉક્ત અરજીમાં સહયોગ આપ્યો હતો, જ્યારે કડવું સત્ય એ છે કે કેતન શાહના સંગઠન NIAGએ એનો જોરદાર વિરોધ કર્યો હતો અને ‘નારા’ સંગઠનના વકીલ ચિરાગ શાહે કોર્ટમાં દલીલો કરી હતી.
આ અગાઉ રૂ. બેથી રૂ. 10 લાખ સુધીની લેણી રકમના 6400 ટ્રેડરોને બાકીની 50 ટકા રકમ અપાવવાના પ્રયાસનો NIAGએ વિરોધ કર્યો હતો, પણ સર્વોચ્ચ અદાલતમાં એનો પરાજય થયો હતો. વર્ષ 2013માં NSELએ નાના ટ્રેડરોને તત્કાળ રાહત થાય એ માટે એ જ 6400 ટ્રેડરોને 50 ટકા રકમ ચૂકવી દીધી હતી. રૂ. બે લાખ રૂપિયા સુધીની રકમના 708 લેણદાર ટ્રેડરોને પૂરેપૂરી રકમ ચૂકવી દેવામાં આવી હતી.
એક્સચેન્જની યાદીમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેડરોના તારણહાર હોવાનો ડોળ કરનારા કેતન શાહ અને ચિરાગ શાહ પોતે 781 કરોડપતિઓમાં સામેલ છે, જેમના રૂ. એક કરોડ કરતાં વધુના ક્લેમ છે, પરંતુ એના સમર્થનમાં કોઈ પુરાવો નથી. તેઓ નાના ટ્રેડરો માટે ઉપલબ્ધ રકમને છૂટી કરવાની વિરુદ્ધ લડત ચલાવી રહ્યા છે. એની પાછળનું એક જ કારણ છે કે નાના ટ્રેડરોના રક્ષક તરીકેના તેમના દાવામાં કોઈ દમ નહીં રહે. આ બન્ને વ્યક્તિઓએ ડિફોલ્ટરો પાસેથી રિકવરી કરાવવા માટે લડવાને બદલે બ્રોકરોની તરફેણ કરી છે અને નાના ટ્રેડરોને થતી ચુકવણીનો વિરોધ કર્યો છે. ઉક્ત આદેશને પગલે લોકોને તેમનું ખરું રૂપ જોવા મળ્યું છે.