NSEનું NOW સોફ્ટવેર બંધ થવાની જાહેરાત બાદ બ્રોકરેજીસને આકર્ષક ડિસ્કાઉન્ટ આપવાની ઓડિનની જાહેરાત

મુંબઈઃ એક બાજુ કોવિડ-૧૯ની કટોકટી ચાલી રહી છે એવા સમયે એનએસઈએ પોતાનું ટ્રેડિંગ સોફ્ટવેર ‘નાઉ’ બંધ કરવાનું જાહેર કર્યું છે. આથી ૬૩ મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડની મુખ્ય પ્રોડક્ટ ઓડિને  બ્રોકરેજ હાઉસીસની સાથે ખભેથી ખભો મિલાવવાનો નિર્ણય લીધો છે.

કંપનીની અખબારી યાદીમાં જણાવાયા મુજબ ટ્રેડિંગ સોફ્ટવેર ક્ષેત્રે રિટેલ માર્કેટમાં આશરે ૭૦ ટકા હિસ્સો ધરાવતા ઓડિને નક્કી કર્યું છે કે બ્રોકરેજ હાઉસીસને એનએસઈના નાઉ સોફ્ટવેરમાંથી સ્થળાંતર કરવાનું આસાન બને અને બિઝનેસ સહેલાઈથી પૂર્વવત્ ચાલ્યા કરે એ હેતુથી ઓડિનના ભાવમાં તથા ટેક્નોલોજીકલ સપોર્ટમાં ૫૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

નોંધનીય છે કે ઇનોવેશન તરીકે સર્જાયેલા ઓડિન સોફ્ટવેરે તેની શરૂઆત થયાના થોડા જ સમયમાં કાંઠુ કાઢ્યું અને વિશ્વભરના ટ્રેડિંગ ટર્મિનલ ક્ષેત્રે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો. આજ સુધી એણે પોતાનું ઉચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે.

આ બાબતે કંપનીના બ્રોકરેજ ટેક્નોલોજી સોલ્યુશન્સ વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેશવ સામંતે જણાવ્યું છે કે ઉપયોગકર્તાને ઘણી સહેલી લાગે એવી પ્રોડક્ટ તરીકે ઓડિનનો વિકાસ અવિરત રાખવાની સાથે સાથે નાણાકીય બજારોની સેવા કરવા માટે કંપની પ્રતિબદ્ધ છે. ઓડિનને અદ્યતન સોલ્યુશન્સ સાથેનું વધુ ઇનોવેટિવ પ્લેટફોર્મ બનાવવા માટે કંપની સતત કાર્યશીલ રહે છે.