મુંબઈ તા.11 એપ્રિલ, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની સબસિડિયરી કંપની એનએસઈ ઈન્ડાયસીસ દ્વારા નિફ્ટી આરઈઆઈટી એન્ડ ઈન્વેઆઈટી ઈન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે. આ દેશનો એવો સૌપ્રથમ ઈન્ડેક્સ છે, જે રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્ર્સ્ટ્સ (આરઈઆઈટીઝ-રિટસ) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (ઈન્વેઆઈટીઝ-ઈટસ)ની કામગીરીને ટ્રેક કરે છે.
આ પ્રસંગે એનએસઈ ઈન્ડાયસીસના સીઈઓ મુકેશ અગરવાલે કહ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે નાણાં એકત્ર કરવા આરઈઆઈટીઝ અને ઈન્વેઆઈટીઝને મજબૂત વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આરઈઆઈટીઝ રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં અને ઈન્વેઆઈટીઝ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં રોકાણ કરે છે. આ બંને ટ્રસ્ટ રોકાણકારોને ઈક્વિટી, ડેબ્ટ અને સોના જેવા પરંપરાગત સાધનોના વિકલ્પ રૂપે નિયમિત આવક માટે ઈન્વેસ્ટમેન્ટના વૈવિધ્યકરણની તક પૂરી પાડે છે. વિભિન્ન અસેટ ક્લાસ માટે બેન્ચમાર્ક્સ પૂરા પાડવાનું વિઝન એનએસઈ ધરાવે છે અને એને અનુરૂપ નિફ્ટી આરઈઆઈટીઝ એન્ડ ઈન્વેઆઈટીઝ ઈન્ડેક્સ લોન્ચ કરાયા છે. આ ઈન્ડેકસ એક્ટિવ ફંડ્સ માટે બેન્ચમાર્ક બની રહેશે.
નિફ્ટી આરઈઆઈટીઝ અને ઈન્વેઆઈટીઝ ઈન્ડેક્સનો હેતુ એનએસઈ પર લિસ્ટેડ અને ટ્રેડ થતા (તેમ જ લિસ્ટેડ નહિ થયેલા પરંતુ ટ્રેડ માટે મંજૂરી પામેલી) સિકયોરિટીઝની કામગીરીને ટ્રેક કરવાનો છે. નિફ્ટી આરઈઆઈટીઝ એન્ડ ઈન્વેઆઈટીઝની આરંભ તારીખ (બેઝ ડેટ) 1 જુલાઈ, 2019 છે અને એ દિવસે તેનું મૂલ્ય 1000 પોઈન્ટ્સ હતું. ઈન્ડેક્સની દર ત્રણ મહિને પુનર્સમીક્ષા કરાતી રહેશે.