રિલાયન્સની આઇસક્રીમ બજાર પર નજરઃ ગુજરાતની કંપની સાથે કરાર

નવી દિલ્હીઃ રિલાયન્સ કંપનીના વડા મુકેશ અંબાણી FMCG બિઝનેસ પર મોટો દાવ રમી રહ્યા છે. કેટલાક દિવસો પહેલાં પેપ્સી અને કોકથી સ્પર્ધા કરવા માટે તેમણે કેમ્પાને લોન્ચ કર્યું હતું. જેથી કોલા માર્કેટમાં પ્રાઇસ વોર છેડાયું હતું. રિલાયન્સ ચેરમેનની નજર હવે રૂ. 20,000 કરોડના આઇસક્રીમ બજાર પર છે. તેઓ જલદી આઇસક્રીમ બજારમાં પ્રવેશ સંબંધિત એલાન કરે એવી શક્યતા છે.

રિલાયન્સની સહયોગી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ પોતાની ઇન્ડિપેન્ડસ બ્રાન્ડની સાથે આઇસક્રીમ બિઝનેસમાં પ્રવેશ કરે એવી શક્યતા છે. ગુજરાતમાં ઇન્ડિપેન્ડસ બ્રાન્ડ ગયા વર્ષે લોન્ચ કરી હતી.

ઇન્ડિપેન્ડસ બ્રાન્ડમાં મસાલા, એડિબલ ઓઇલ, દાળ, અનાજ અને પેકેજ્ડ ફૂડથી લઈને ખાણીપીણીના સામાનોની પૂરી રેન્જ સામેલ છે. જોકે રિલાયન્સ હાલ આઇસક્રીમનું આઉટસોર્સિંગ કરે એવી સંભાવના છે. કંપની એ માટે ગુજરાતની કંપની સાથી વાટાઘાટ કરી રહી છે. FMCG એક્સપર્ટનું કહેવું છે કે આઇસક્રીમ માર્કેટમાં રિલાયન્સના પ્રવેશથી સંગઠિત માર્કેટમાં તીવ્ર હરીફાઈ થવાની શક્યતા છે. દેશનું આઇસક્રીમ માર્કેટ રૂ. 20,000 કરોડથી વધુનું છે અને એમાં સગઠિત ક્ષેત્રનો હિસ્સો 50 ટકા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રિલાયન્સ ગુજરાતની આઇસક્રીમ કંપનીની સાથે અંતિમ તબક્કામાં વાટાઘાટ ચાલી રહી છે. રિલાયન્સ આ વર્ષે ગરમીઓમાં આઇસક્રીમ લોન્ચ કરે એવી શક્યતા છે. કંપની ડેડિકેટેડ ગ્રોસરી રિટેલ આઉટલેટ દ્વારા આઇસક્રીમનું વેચાણ કરે એવી શક્યતા છે. કંપનીનો આઇસક્રીમ માર્કેટમાં પ્રવેશ ભાવયુદ્ધ છેડે એવી શક્યતા છે. એ જોવું રસપ્રદ રહેશે કે કંપનીના ઉત્પાદનોની રેન્જ શી હશે અને કયા માર્કેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.