નવી દિલ્હીઃ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)કંપનીએ તેના ગ્રાહકો માટે નવી સુવિધા શરુ કરી છે. જે હેઠળ હવે દેશભરમાં બીપીસીએલના ગ્રાહકો વોટ્સએપ દ્વારા રાંધણ ગેસ બુકિંગ કરાવી શકશે. કંપની પાસે હાલ 7.10 કરોડ એલપીજી ગ્રાહકો છે.
બીપીસીએલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારત ગેસ (બીપીસીએલનું એલપીજી બ્રાન્ડ નામ) દેશભરમાં સ્થિત ગ્રાહકો વોટ્સએપ દ્વારા રાંધણ ગેસનું સિલિન્ડર બુક કરાવી શકે છે. કંપનીએ કહ્યું, તેમણે સિલિન્ડર બુકિંગ માટે એક નવી વોટ્સએપ બિઝનેસ ચેનલની શરૂઆત કરી છે. વોટ્સએપ પર આ બુકિંગ બીપીસીએલ સ્માર્ટલાઇન નંબર 1800224344 પર ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા સિલિન્ડર બુક કરાવી શકે છે.
કંપનીના કાર્યકારી નિર્દેશક ટી. પીતાંબરમે કહ્યું, વોટ્સએપ દ્વારા બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહકને સિલિન્ડર બુક થઈ ગયાનો મેસેજ મળશે. જેની સાથે એક લિંક પણ મોકલવામાં આવશે, તેના પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને એમેઝોન જેવી બીજી પેમેન્ટ એપ દ્વારા ચૂકવણી કરી શકાશે. કંપની એલપીજી ડિલિવરી પર નજર રાખવા અને ગ્રાહકોની આ અંગે પ્રતિક્રિયા લેવાનું પણ વિચારી રહી છે.
તેમણે કહ્યું કે વોટ્સએપ દ્વારા એલપીજી બુકિંગ કરાવાની સુવિધાથી ગ્રાહકોને વધુ સરળતા રહેશે. વોટ્સએપ આમ પણ લોકોમાં ઘણું લોકપ્રિય છે. આ નવી શરૂઆતથી અમે ગ્રાહકોની વધુ નજીક પહોંચીશું. ઉલ્લેખનીય છે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ વિતરણ કંપની છે અને તેનો ડિસઈન્વેસ્ટ થવા જઈ રહ્યું છે.