શું ઈતિહાસ બની જશે નેનો? માર્ચમાં એક પણ ન વેચાઈ

નવી દિલ્હી- એકસમયે આમ આદમીની કાર તરીકે રજૂ કરેલ નેનો કારના ભવિષ્યને લઈને અનિશ્ચિતતાના વાદળો વધુ ઘેરાં બન્યાં છે. ટાટા મોટર્સે સતત ત્રીજા મહિને નેનો કારનું પ્રોડક્શન કર્યું નથી. શેરબજારને આપેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ મહિનામાં એકપણ નેનો કારનું વેચાણ થયું નથી.

એક સમયે ટાટા નેનોને સામાન્ય માણસની કાર અને લખટકિયા કાર કહેવામાં આવી હતી. કંપનીની હવે તેમાં વધુ રોકાણ કરવાની યોજના નથી, કારણ કે, નેનોમાં બીએસ-6 માપદંડો અને અન્ય સુરક્ષાના નિયમોનું પાલન નથી થતું. તો બીજી તરફ કંપનીની હવે આ કારને BS-VI એમિશન નિયમો અનુરૂપ અપગ્રેડ કરવાની પણ કોઈ યોજના નથી.

જણાવી દઈએ કે, ચાલુ વર્ષે ઓક્ટોબરમાં નવા સુરક્ષા માપદંડો લાગુ થશે, અને આગામી 1 એપ્રિલ 2020થી બીએસ-6 લાગુ થવા જઈ રહ્યો છે. સુત્રોનું માનીએ તો, કંપની નેનો કારનું પ્રોડક્શન એપ્રિલ 2020માં બંધ કરે તેવી શક્યતા છે.

કંપનીએ કહ્યું કે, માર્ચમાં નેનો કારના એક પણ યુનિટનું ઉત્પાદન કે વેચાણ થયું નથી. ગત વર્ષે આજ મહિનામાં કંપનીએ 31 નેનો કારનું ઉત્પાદન કર્યું હતું અને 23 કારનું વેચાણ કર્યું હતું.

મહત્વનું છે કે, નેનો કાર રતન ટાટાની ઉપજ હતી. તેમણે ટુ વ્હિલર પર સવારી કરતા પરિવારોને નેનોના રૂપમાં એક સુરક્ષિત અને સસ્તી કારનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની પરિકલ્પના કરી હતી. પરંતુ આ કાર ભારતીયોના દિલમાં સ્થાન ન મેળવી શકી. નેનો કારને 2009માં અંદાજે 1 લાખ રૂપિયાની કિંમતે બજારમાં ઉતારવામાં આવી હતી. 23 માર્ચ 2009ના રોજ નેનો કારનું પ્રથમ મોડલ લોન્ચ થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]