આર્થિક-કટોકટીથી બચવા સરકાર નવી કરન્સી-નોટ નહીં છાપે

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે દેશમાં આર્થિક કટોકટી ઊભી થઈ છે તે છતાં એનાથી બચવા માટે નવી ચલણી નોટો છાપવાનો કેન્દ્ર સરકારનો કોઈ વિચાર નથી એમ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે.

ઘણા અર્થશાસ્ત્રીઓ અને આર્થિક જગતના નિષ્ણાતોએ એવું સૂચન કર્યું છે કે કોરોના બીમારીના ફેલાવાને કારણે જે આર્થિક પાયમાલી થઈ છે એની સામે અર્થતંત્રને ટેકો પૂરો પાડવા સરકારે વધારે ચલણી નોટો છાપવી જોઈએ અને નોકરીઓને રક્ષણ પૂરું પાડવું જોઈએ. આ વિશે લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં નાણાં પ્રધાન સીતારામને સ્પષ્ટ જવાબ આપ્યો કે નવી ચલણી નોટો છાપવાનો સરકારનો કોઈ વિચાર નથી.