કર્મચારીઓની નિવૃત્તિ વય ઘટાડવાનો કેન્દ્ર સરકારનો કોઈ વિચાર નથી

નવી દિલ્હીઃ કર્મચારીઓ, જાહેર ફરિયાદો, પેન્શનને લગતી બાબતોના ખાતાના કેન્દ્રીય રાજ્યકક્ષાના (સ્વતંત્ર ચાર્જ) પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિની વય ઓછી કરવા માટે કોઈ વિચાર નથી થઈ રહ્યો. તેમણે આ સંબંધમાં મિડિયામાં આવેલા અહેવાલોને પણ ફગાવી દીધા હતા. કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વય હાલ 60 વર્ષ નક્કી કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓની  નિવૃત્તિની વયને 50 વર્ષની કરવા માટે સરકાર દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોવા સંબંધિત સમાચારોને ફગાવતાં જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે ન તો સરકાર દ્વારા એવો કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને ન તો સરકારમાં કોઈ પણ સ્તરે આવી કોઈ વિચારણા થઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે  દરેક વખતે આવા સમાચારોનું ખંડન કરવું પડે છે, જેથી એનાથી લોકોનો ભ્રમ દૂર થઈ શકે. તેમણે કહ્યું હતું કે આ દુઃખની વાત છે, કે જ્યારે દેશ કોરોના વાઇરસના સંકટ સામે લડી રહ્યો છે ત્યારે કેટલાંક તત્ત્વો એમના અંગત હિતો માટે સરકારનાં કાર્યો પર પાણી ફેરવી રહ્યાં છે અને એટલે મિડિયામાં આવા સમાચારો ફેલાવી રહ્યાં છે. આનાથી વિરુદ્ધ સરકાર અને DOPTએ શરૂઆતથી જ કર્મચારીઓનાં હિતોની રક્ષા માટે તત્કાળ પગલાં ભર્યાં છે.

ઓછા કર્મચારીઓને ઓફિસ બોલાવવા

લોકડાઉનની જાહેરાત સાથે જ DOPTએ ઓફિસો માટે દિશા-નિર્દેશ જારી કર્યા હતા કે બહુ જરૂરી હોય તો અથવા ન્યૂનતમ કર્મચારીઓને ઓફિસ બોલાવવા. આ ઉપરાંત DOPTએ દિવ્યાંગ કર્મચારીઓને આવશ્યક સેવાઓમાંથી પણ રાહત આપવાનો નિર્દેશ ક્યો હતો.

પેન્શનમાં 30 ટકાનો કાપ મૂકવાની પણ અફવા

સિંહેર કહ્યું હતું કે પાછલા સપ્તાહે પણ એક ખોટા સમાચાર હતા કે સરકાર પેન્શનમાં 30 ટકાનો કાપ મૂકવાની છે અને 80 વર્ષથી વધુ વયવાળા કર્મચારીઓનું પેન્શન બંધ કરવાનો નિર્ણય લેવાની છે. તેમણે કહ્યું કે ગઈ 31 માર્ચ સુધી એક પણ પેન્શનધારક એવા નહોતા, જેમના ખાતામાં પેન્શનની રકમ જમા થઈ ન હોય. એટલું જ નહીં, જ્યાં જરૂર લાગી ત્યાં પેન્શનધારકને એમના નિવાસસ્થાને જઈને પેન્શનની રકમ પહોંચાડવા માટે ટપાલ વિભાગની સેવા લેવામાં આવી હતી.