મુંબઈઃ ડીમાર્ટ રીટેલ સ્ટોર્સ ચેનની માલિક કંપની એવેન્યૂ સુપરમાર્ટ્સ લિમિટેડના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ઈગ્નેશિયસ નેવિલ નોરોન્હાની સંપત્તિમાં ધરખમ વધારો થયો છે. કંપનીનો શેર આ વર્ષે 113 ટકા વધી જતાં નોરોન્હાની સંપત્તિમાં અબજ ડોલરનો વધારો થતાં નોરોન્હા હવે અબજપતિ થઈ ગયા છે.
એવેન્યૂ સુપરમાર્ટ્સ કંપનીના સ્થાપક રાધાક્રિશ્નન દામાનીએ 2004માં નોરોન્હાને પોતાની કંપનીમાં સામેલ કર્યા હતા. 2007માં નોરોન્હા કંપનીના સીઈઓ તરીકે બઢતી પામ્યા હતા. નોરોન્હા મુંબઈમાં જન્મ્યા છે અને વિલે પારલેની નરસી મોનજી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડિઝમાંથી મેનેજમેન્ટની ડિગ્રી સાથે ગ્રેજ્યુએટ થયા છે. એવેન્યૂમાં જોડાયા તે પહેલાં નોરોન્હા હિન્દુસ્તાન લીવરમાં હતા. મુંબઈ શેરબજારમાં એવેન્યૂ સુપરમાર્ટ્સનો શેર 5,899ની નવી ઉંચાઈએ પહોંચ્યો છે.