વર્ષ 2021માં કોરોનાની સાથે નવી કંપનીઓની રચનામાં વધારો

મુંબઈઃ કોરોના રોગચાળાની આફતને અવસર બનાવવા માટે નવી કંપનીઓ નથી ચૂકી. આરોગ્યથી માંડીને સેનિટેશન સુધીના સેક્ટરમાં નવી કંપનીઓ ઝડપથી બની છે. નાણાકીય વર્ષ 2019-20માં જ્યાં 1,03,04 નવી કંપનીઓ બની હતી, જ્યારે વર્ષ 2020-21માં એની સંખ્યા વધીને 1,47,247 થઈ ગઈ છે. આમાં 43 ટકાનો વધારો થયો છે.

કોર્પોરેટ મંત્રાલય અનુસાર કૃષિ અને એને સંલગ્ન સેક્ટરમાં કુલ 5010 કંપનીઓ હતી, જે 2020-21માં વધીને 11,037 કંપનીઓ થઈ ગઈ. એટલે કે આમાં 120 ટકાનો વધારો જોવા મળ્યો. આરોગ્ય અને સોશિયલ વર્કની 1110 કંપનીઓ હતી, એની સંખ્યા વધીને 525 ટકા વધીને 6934 થઈ ગઈ હતી. શિક્ષણના ક્ષેત્રમાં 1079 કંપનીઓ હતી, જે 315 ટકા વધીને 4476 થઈ ગઈ છે. એ જ રીતે ફૂડ પ્રોડક્ટ અને વેબરેજિસમાં કુલ 4483 કંપનીઓ હતી, જે 68 ટકા વધીને 7525 થઈ ગઈ છે. હોલસેલ ટ્રેડમાં 7556 કંપનીઓ હતી, જે 32 ટકા વધીને 9514 થઈ ગઈ હતી. રિટેલ ટ્રેડમાં 5201 કંપનીઓ હતી, જે 29 ટકા વધીને 6689 કંપની થઈ ગઈ છે. રિક્રિએશન અને સ્પોર્ટ્સ સેક્ટરમાં કુલ 367 કંપની હતી, જે 419 ટકાના વધારા સાથે 1906 થઈ ગઈ છે.

સીવેજ અને સેનિટેશનમાં વર્ષ 2019-20માં 19 કંપનીઓ હતી, જે 10 ગણી વધીને 190 થઈ ગઈ છે. ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 57 ટકા કંપનીઓ આર્થિક મંદી અથવા ખરાબ બજારના માહોલમાં બની છે.