મુંબઈ તા. 20 માર્ચ, 2023: સ્ટોક એક્સચેન્જમાં શેરોને તેમની યોગ્યતા મુજબ સર્વેલન્સ અને એડિશનલ સર્વેલન્સનાં જે પગલાં લાગુ પાડવામાં આવે છે, તે પૂર્વ-ઘોષિત અને આપોઆપ લાગુ પડતા નિયમો અનુસારનાં હોય છે, તેમાં કોઈ વ્યક્તિગત હસ્તક્ષેપ કે દરમ્યાનગીરીને અવકાશ હોતો નથી. અર્થાત કોઈ અધિકારી પોતાની મરજી મુજબ તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી, એમ એનએસઈએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
આ સર્વેલન્સ પગલાં અને ટ્રેડિંગ હેઠળની યાદીમાંથી સ્ટોક્સ બહાર કરવાના કે યાદીમાં સમાવવાનો આધાર ચોક્કસ નિયમો અનુસારનો હોય છે, જેમાં કિંમતની વધઘટ, વોલ્યુમ્સ, માર્કેટ કેપિટલાઈઝેશન, ગ્રાહકોના કેન્દ્રીકરણ, પ્રવાહિતા માપદંડો વગેરેને ધ્યાનમાં લેવામાં આવે છે. આ નિયમો અને પુનર્સમીક્ષા ગાળાની બજારમાં અગાઉથી જાહેરાત કરાયેલી હોય છે. અગાઉથી જાહેરાત કરાયેલા નિયમો અનુસાર લેવાતાં પગલાંનાં પરિણામ સાર્વજનિકપણે ઉપલબ્ધ છે અને બધા સ્ટોક્સને કોઈ પણ ભેદભાવ વિના લાગુ પાડવામાં આવે છે. આ નિયમોમાં કોઈ પણ ફેરફાર કરાય તો તે લાગુ પાડતાં પૂર્વે તેની જાહેરાત કરવામાં આવે છે. એની ખાતરી માટે સમયાંતરે ઓડિટ અને તપાસ કરવામાં આવે છે.
ઈન્ડેકસમાં કરાતા ફેરફાર પણ
એ જ પ્રમાણે સમયાંતરે નિફ્ટી ઈન્ડાયસીસમાં સ્ટોક્સને ઉમેરવાના કે બહાર કાઢવાનાં પગલાં પારદર્શક અને કડક નિયમો અનુસારનાં હોય છે. ઈન્ડાયસીસની જાળવણી એનએસઈની સબસિડિયરી એનએસઈ ઈન્ડાયસીસ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. આ સંબંધિત સંપૂર્ણ માહિતી એક્સચેન્જની અને એનએસઈ ઈન્ડાયસીસની વેબસાઈટ પર ઉપલબ્ધ રહે છે. એક વાર ઈન્ડાયસીસ અંગેના નિયમો તૈયાર કરાય એ પછી તેમાં એક્સચેન્જની કમિટી કે અન્ય કોઈ પણ વ્યક્તિની દરમિયાનગીરી ચલાવી લેવામાં આવતી નથી.